અમદાવાદની કંપનીના બિઝનેસ હેડને કારમાં લિફ્ટ આપી, આગળ જતાં 3 શખ્સોએ મોબાઈલ અને 57 હજાર લૂંટી લીધા

0
14

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીના બિઝનેસ હેડ યુવકનું કારમાં અપહરણ કરી માર મારી લૂંટી લેવાની ઘટના બની હતી. મોડી રાતે ઘરે જવા જશોદાનગર પાસે રાહ જોઇને ઊભેલો યુવક ખાનગી ગાડીમાં ઘરે ખેડા જવા નીકળ્યો હતો ત્યારે કારમાં બેઠેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રાસ્કા ગામે લઇ જઇ મોબાઈલ લૂંટી લીધો હતો. બાદમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એટીએમમાંથી કુલ રૂ. 57000 ઉપાડી લઈ છોડી મુક્યો હતો. વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ખેડા જવાનું કહેતા એક કારમાં બેસાડીને આગળ જઈ ગળે છરી રાખી લૂંટ્યો

ખેડા જિલ્લાના ડભાણ ગામે રહેતો વિશાલ રાજપૂત અમદાવાદમાં વટવા જીઆઇડીસી ફેઝ-4માં એનવી કેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં બિઝનેસ હેડ તરીકે નોકરી કરે છે. શનિવારે સવારે નોકરી આવ્યા બાદ રાતે મોડે સુધી કામ હોવાથી રોકાયો હતો. સાડા નવ આસપાસ ઘરે જવા જશોદાનગર એસ ટી બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. દરમિયાનમાં એક કાર આવી હતી અને ખેડા જવાનું પૂછ્યું હતું જેથી કારમાં બેસી ગયો હતો. મહેમદાવાદ હીરાપુર નજીક આવતા પાછળ બેઠેલા યુવકે વિશાલના ગળે છરી રાખી જે હોય તે આપી દેવા કહ્યું હતું. આગળ બેઠેલો એક યુવક પણ પાછળ આવી ધમકાવ્યો હતો.

અવાવરું જગ્યાએ મોબાઈલ અને રોકડ તથા ચેકબુક લૂંટી

રાસ્કા ગામ ખાતે આવેલી અવાવરું જગ્યા પર લઈ જઈ માર મારી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. બાદમાં તેની ઓફિસ બેગમાં રહેલા રોકડ રૂ. 700 અને ચેકબુક પણ લૂંટી હતી. બાદમાં તેની પાસે રહેલા એટીએમ કાર્ડ લઈ લીધા હતા. ફરી કારમાં બેસાડી વટવા જીઆઇડીસી પાસે બેકના એટીએમમાં લઇ ગયા હતા. જ્યાં પિન નંબર લઈ પૈસા ઉપાડ્યા હતા. ત્યાંથી ત્રિકમપુરા પાટિયા, ઇસનપુર, સેટેલાઇટ, થલતેજ અને ગોતા પાસેના અલગ અલગ એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા. બાદમાં ગોતા ગોકુલ હોટલની ગલીમાં ઉતારી ધમકી આપી નાસી ગયા હતા. યુવકે રાહદારીની મદદથી તેના ભાઈને ફોન કરી અને જાણ કરી હતી. તેઓ આવતા પોલીસને જાણ કરી ગયા હતા. વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here