માતા-પિતા વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા, લગ્નના થોડા સમય બાદ જ પતિ દારૂ પી મારઝૂડ અને પૈસા લઈ લેતો હતો, હવે માતા-પિતા પણ રાખવામાં તૈયાર નથી

0
0

પ્રેમસંબંધમાં યુવક-યુવતી એકબીજાને મોટા મોટા વચનો આપી અને માતા-પિતાની વિરુદ્ધ જઇ લગ્ન કરી લે છે. પરંતુ લગ્ન બાદ તેઓના વર્તન બદલાઈ જાય છે અને તેના જ કારણે તેઓની જિંદગી પણ બગડી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ રિક્ષાચાલક સાથે માતા-પિતાની વિરુદ્ધ જઈ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ દારૂ પી મારઝૂડ અને પૈસા લઈ લેતો હતો. માતા-પિતાએ પણ તેની સાથે સંબંધ રાખવાની ના પાડતા હતાં. મુંઝવણમાં તેઓ મહિલા પોલીસ સ્ટેશનની બહાર આંટા મારતા હતા ત્યારે મહિલા હેલ્પલાઈનની ટીમે તેમને મદદ કરી અને પતિ સામે ફરિયાદ ન કરવી હોય અને માતા-પિતા રાખવા તૈયાર ન હોવાથી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપ્યો છે.

મહિલા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનની બહાર એક મહિલા આંટા- ફેરા મારતી હતી. લાંબા સમય સુધી તેઓ ત્યાં જ બેસી રહેતા મહિલા હેલ્પલાઈનની ટીમે મદદ માટે પૂછતાં મહિલાએ પોતાની આપવીતી જણાવી હતી કે પોતે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. રિક્ષાચાલક સાથે પ્રેમસંબંધ બંધાતા તેઓએ માતા-પિતાની વિરુદ્ધમાં જઈ લગ્ન કરી લીધા હતા જેથી તેઓએ સંબંધ પણ તોડી નાખ્યો હતો. લગ્નના થોડા સમય બાદ જ પતિ દારૂ પી આવતો અને મારઝૂડ કરવા લાગતો હતો. સ્ટાફમાં અન્ય લોકો સાથે સંબંધ રાખે છે તેમ શંકા કરી મારઝૂડ કરતો હતો. જેના કારણે તેઓએ હોસ્પિટલ છોડી બીજી જગ્યાએ નોકરી શરૂ કરી હતી.

મહિલા જ્યાં નોકરી કરતી ત્યાં જઈ પતિ પૈસાની માંગણી કરતો હતો

સાસુ સસરા પણ તેમના દીકરાનું ઉપરાણું લઈ અને હેરાન કરતા હતા. મહિલા નોકરી પર હતા ત્યારે પતિ આવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી. પૈસા નથી તેમ કહેતા બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. કામની જગ્યાએ બોલાચાલી કરતા મહિલા ઘરે જવાની જગ્યાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ બહાર આંટા જ મારતા હતા. પતિ સામે ફરિયાદ કરવાનું કહેતા તેઓને ફરિયાદ કરવી ન હતી. મહિલા હેલ્પલાઈનની ટીમ તેમના માતા-પિતા પાસે લઈ જતા તેઓએ દીકરીને સાચવવાની કે રાખવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી છેવટે તેને મહિલા હેલ્પલાઈનની ટીમ મહિલાની મદદ અને સાચવણી માટે બનાવેલા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here