વડોદરા : આંગણવાડીની બહેનોએ કોરોનાના ભય વચ્ચે ઘેર ઘેર જઈને ટેક હોમ રાશન પહોંચાડ્યું,

0
19

વડોદરા. વડોદરા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઇ.સી.ડી.એસ.ના 11 ઘટકોમાં 1416 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો કાર્યરત છે. ગુજરાતમાં આ બહેનોને માતા જશોદા નું બિરૂદ આપવામાં આવ્યું છે કારણ કે તેમના માધ્યમ થી 7 મહિનાથી લઈને 6 વર્ષની ઉંમર સુધીના બાળકોને કુપોષણ નિવારણ માટે  ટેક હોમ રેશમના રૂપમાં પૂરક પોષણ આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આમ,પોષણ કડીને જોડતા અગત્યના સેતુ તરીકે આ બહેનો સેવા આપી રહી છે. આંગણવાડીની બહેનોએ કોરોનાના ભય વચ્ચે ઘેર ઘેર જઈને એપ્રિલ મહિનાનું ટેક હોમ રાશન પહોંચાડ્યું છે.

ટેક હોમ રાશનના પેકેટ્સ પહોંચાડવાનું ભગીરથ કામ કર્યું

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી એ લોકડાઉનમાં આ પોષણ કડી ના તૂટે અને કુપોષણ નિવારણની કામગીરીનું સાતત્ય જળવાય એ માત્ર જિલ્લા કાર્યક્રમ અધિકારી અને સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેને અનુસરીને આ બહેનો એ આંગણવાડીઓ બંધ હોવા છતાં ઘેર બેસી રહેવાને બદલે ભૂલકાઓ,કિશોરીઓ,સગર્ભા અને ધાત્રી બહેનોને ઘેર ઘેર ફરીને ટેક હોમ રાશનના પેકેટ્સ પહોંચાડવાનું ભગીરથ કામ કર્યું છે. તેમણે કોરોના વિષયક જરૂરી તકેદારીઓ પાળીને આ ભારે પરિશ્રમ માંગી લેતું કામ કર્યું છે અને તેની સાથે મુલાકાત લીધી એ પ્રત્યેક ઘરના લોકોને ટેક હોમ રાશન પેકેટનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન આપવાની સાથે કોરોના થી બચવાની તકેદારીઓ નું આરોગ્ય શિક્ષણ આઇ.ઇ.સી.પ્રવૃત્તિના ભાગરૂપે આપ્યું છે.આ કામગીરીમાં શક્ય હોય ત્યાં તેડાગર બહેનો તેમને મદદરૂપ બની છે.

154732 ટેક હોમ રાશન મેળવવા પાત્ર લાભાર્થીઓ

યોજનાના સંકલનકાર રાગિણી મિશ્રા એ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજનાના છત્ર હેઠળ 34958 કિશોરીઓ,55933 જેટલા 7 માસથી 3 વર્ષની ઉંમરના બાળકો,42513 જેટલા 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો,9783 સગર્ભાઓ અને 11556 સ્તનપાન કરાવનારી ધાત્રી માતાઓ મળી કુલ 154732 ટેક હોમ રાશન મેળવવા પાત્ર લાભાર્થીઓ છે.સામાન્ય સંજોગોમાં આ લાભાર્થીઓ નજીકના આંગણવાડી કેન્દ્રો પર થી તેના પેકેટ મેળવે છે.પરંતુ લોક ડાઉન ને લીધે જે અસામાન્ય પરિસ્થિત સર્જાઈ છે તેમાં ઉપરોક્ત વ્યવસ્થા હેઠળ વિતરણ શક્ય ન હતું. એટલે આ માતા જશોદાઓ એ લાભાર્થીઓ ના ઘેર ઘેર જઈને એપ્રિલ મહિનાનું ટેક હોમ રાશન પહોંચાડ્યું છે અને જાણે કે કુંવાને તરસ્યા સુધી લઈ જવાનું અનેરું કામ કર્યું છે.

584083 પેકેટ મળવા પાત્ર છે

ટેક હોમ રાશનમાં બાળ શક્તિ,માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પૂરક પોષણ આહાર પેકેટ આપવામાં આવે છે જેનું સેવન લાભાર્થી વિવિધ રીતે,વિવિધ વાનગીઓ બનાવીને કરી શકે છે.બાળ શક્તિનું પ્રત્યેક પેકેટ 500 ગ્રામનું,અને માતૃ તેમજ પૂર્ણ શક્તિનું પ્રત્યેક પેકેટ 1 કિલો વજનનું હોય છે.કિશોરીઓને દર મહિને 4 પેકેટ,નાના ભૂલકાઓ ને 7 પેકેટ,એમના થી મોટી વય જૂથના બાળકોને 10 પેકેટ અને સગર્ભા તેમજ ધાત્રી બહેનોને 4 પેકેટ મળવા પાત્ર છે.આમ,જિલ્લાના કુલ 584083 પેકેટ મળવા પાત્ર છે.એના પરથી કહી શકાય કે આ માતા જશોદાઓ એ કેટલી ભારે ભરખમ સેવા પૂરક પોષણ ની કડીને અકબંધ રાખવા કરી છે.

માતા જશોદાનું બિરૂદ સાર્થક કર્યું

તેમણે આ વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સેનીટાઈઝર નો ઉચિત ઉપયોગ કરવો,માસ્ક પહેરવા સહિતની તકેદારી ના પાલનની કાળજી લીધી છે. આ માતા જશોદાઓ માત્ર આટલે થી અટકી નથી. એમણે વહીવટી તંત્રની સુચના પ્રમાણે આરોગ્ય સર્વેમાં મદદ,વાજબી ભાવની દુકાનોમાં રાશન વિતરણમાં મદદ જેવી કામગીરી કરી વધારાનું યોગદાન આપ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં માતા જશોદા માતાથી પણ અદકેરા સ્નેહનું પ્રતિક ગણાય છે.લોક ડાઉન ના કપરા સમયમાં  પૂરક પોષણ આહાર ઘેર ઘેર પહોંચાડી ભૂલકાઓના પૂરક પોષણની કાળજી લઈ આંગણવાડી કાર્યકર બહેનોએ માતા જશોદાનું બિરૂદ સાર્થક કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here