સુરત : ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મોતને ભેટેલી વૃદ્ધાના કાનમાંથી સોનાના બુટ્ટી ગાયબ, ફરિયાદ નોંધાઇ

0
17

સુરત. શહેરના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મોતને ભેટેલી વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. પુત્ર દ્વારા ખાનગી હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવી આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પુત્રએ જણાવ્યું હતું કે, એક્તા ટ્રસ્ટ દ્વારા અંતિમ વિધિ માટે લઈ જવાતી વેળાએ પુત્રોએ અંતિમ દર્શન માટે મોઢા પરથી ચાદર ઉપાડતા ભાંડો ફૂટ્યો હતો.સમગ્ર મુદ્દે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતાની અંતિમ ઈચ્છા અધુરી રહી

મૃતક વૃદ્ધાના નાના પુત્ર કલ્પેશ જરીવાળાએ જણાવ્યું હતું કે, જશોદાબેન બાબુભાઇ જરીવાળા (ઉ.વ. 66 રહે સંગ્રામપુરા પોપટ શેરી) ત્રણ સંતાનોની માતા છે. ત્રણેય ભાઈઓ જરીકામ સાથે સંકળાયેલા છે. માતાની અંતિમ ઈચ્છા હતી કે, મારા ગુજરી ગયા બાદ પણ કાનમાંથી સોનાના બુટ્ટી કાઢવી નહીં અને બુટ્ટી સાથે જ અંતિમ વિધિ કરવી. માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા રાત્રે સવા વાગ્યે માતાના મોત બાદ ત્રણેય ભાઈઓએ ભેગા થઈ હોસ્પિટલને જાણ કરી હતી અને કાનમાંથી બુટ્ટી ન કાઢવા સુચન કર્યું હતું. બીજા દિવસે સવારે પણ આ બાબતે હોસ્પિટલનું ધ્યાન દોર્યું હતું. જોકે, અંતિમ વિધિ પહેલા માતાના કાનમાંથી બુટ્ટી ગાયબ થઈ ગયા હોવાનું બહાર આવતા તાત્કાલિક હોસ્પિટલનું ધ્યાન દોર્યું હતું.

આવું કોઈ બીજા સાથે ન થાય

કલ્પેશ જરીવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ વહીવટદારોએ હાથ ઊંચા કરી દેતા ખટોદરા પોલીસને જાણ કરાઈ છે. ખટોદરા પોલીસે હોસ્પિટલની મુલાકાત લઈ અંતિમ વિધિ પૂરી થઈ ગયા બાદ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.વિધિ પુરી થઈ છે અને અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે. આવું કોઈ બીજા સાથે ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ એક નાગરિક તરીકે આપણી છે.

સવા લાખની સામે બિલ પેટે સવા ચાર લાખની ઉઘરાણી કરતા હતા

કલ્પેશ જરીવાળાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 24મીએ માતાને દાખલ કર્યા હતા. ત્યારે અઠવાડિયાનું પેકેજ સવા લાખ જેટલું કહેવામાં આવ્યું હતું. ગઈકાલે બિલ પેટે સવા ચાર લાખની ઉઘરાણી કરતા હતા. અમે લગભગ 1.70 લાખ ભરી ચૂક્યા છીએ. દલીલ કરતા સમાધાન પર આવી ગયા હતા અને 2 લાખ આપી વાત પૂરી કરવાની વાત કરતા થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here