સોના-ચાંદી બજાર આજે તેજી આગળ વધી

0
4

મુંબઈ સોના-ચાંદી બજાર આજે તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર જોકે વધ્યા મથાળે નરમ હવામાન બતાવતા હતા પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં સોના-ચાંદીમાં આયાત પડતર વધી જતાં ઝવેરી બજારોમાં આજે તેજી ઝડપથી આગળ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૬૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૪૭૫૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૪૭૭૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૬૭ હજારની સપાટી કુદાવી ભાવ રૂ.૬૭૨૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં જોકે સોનાના ભાવ ૧૭૩૭થી ૧૭૩૮ ડોલર વાળા આજે સાંજે ૧૭૩૬થી ૧૭૩૭ ડોલર ઔંશદીઠ રહ્યાના સમાચાર હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૫.૦૯થી ૨૫.૧૦ ડોલરવાળા આજે સાંજે ૨૫.૦૨થી ૨૫.૦૩ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૨૨૩થી ૧૨૨૪ ડોલર વાળા આજે સાંજે જોકે વધુ વધી ૧૨૪૪થી ૧૨૪૫ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૨૬૮૩થી ૨૬૮૪ ડોલરવાળા ઘટી ૨૬૩૨થી ૨૬૩૩ ડોલર રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૫૨૨૮ વાળા રૂ.૪૫૭૪૫ તથા ૯૯.૯૦ના રૂ.૪૫૪૧૦ વાળા રૂ.૪૫૯૨૯ બંધ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂ.૬૫૪૨૨ વાળા રૂ.૬૬૦૩૨ બંધ રહ્યા હતા. આ બન્ને કિંમતી ધાતુઓમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ સાંજે ૧.૫૫થી ૧.૬૦ ટકા માઈન્સમાં રહ્યા હતા.

ક્રૂડ તેલના ભાવ જોકે આજે સાંજે વિશ્વ બજારમાં અડધોથી એક ટકો વધી બેરલના ભાવ ન્યુયોર્ક ક્રૂડના ૫૯.૮૯ ડોલર તથા બ્રેન્ટક્રૂડના ૬૩.૦૪ ડોલર રહ્યા હતા. આઈએમએફ દ્વારા વૈશ્વિક આર્થિક વિકાસ માટે આશાવાદી સંકેતો આપતાં તથા અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટતાં ક્રૂડના ભાવ ઉંચા ગયા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૨૬ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here