સામાન્ય બજેટ ખેડૂતો માટે ખાસ રહેવાનું છે, કહેવાય રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે અને આ બજેટમાં રકમ વધારીને 8000 રૂપિયા કરી શકે છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને લોકોને આ બજેટથી ઘણી આશા છે. આ સાથે જ ખેડૂતો માટે પણ આ સામાન્ય બજેટ ખાસ રહેવાનું છે. આ વખતે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ દ્વારા ખેડૂતો માટે તિજોરી ખોલી શકે છે અને કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થવાની સંભાવના છે.
દેશના ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાની મદદથી સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. ગયા મહિને જ સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને 17મો હપ્તો જાહેર કર્યો હતો. રિપોર્ટ અનુસાર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમ વધારીને 8000 રૂપિયા કરી શકે છે.
આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર 3 લાખ રૂપિયાની લોન લેવા પર, વાર્ષિક સાત ટકા વ્યાજ લેવામાં આવે છે, જેમાંથી ત્રણ ટકા ખેડૂતને પરત કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, ખેડૂતને KCC પાસેથી ચાર ટકા વ્યાજે લોન મળે છે. વધતી મોંઘવારી સાથે કૃષિ ખર્ચમાં વધારાને જોતા સરકાર 3 લાખ રૂપિયાની મર્યાદા વધારવાનો નિર્ણય લઈ શકે છે. ચાર ટકાના દરે 4 થી 5 લાખ રૂપિયાનું વ્યાજ આપવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સાધનોની ખરીદી પર GST લાદવામાં આવી રહ્યું છે અને ખેડૂત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકારે કૃષિ સાધનો પરનો GST હટાવવો જોઈએ અથવા ખેડૂતોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ આપવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર કૃષિ સાધનો પરના જીએસટી દરમાં ઘટાડો કરી શકે છે અથવા વધુ સબસિડી આપવાનો નિર્ણય લઈ શકે છે.
આ વર્ષે એપ્રિલમાં યોજાયેલી ચર્ચામાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારનું ધ્યાન કૃષિ ક્ષેત્ર પર વધુ છે. સરકારનું ફોકસ પીએમ કિસાન યોજના પર છે. તેમણે કહ્યું હતું કે આ યોજનામાં નાના ખેડૂતોને પણ સામેલ કરવા જોઈએ. જોકે, નિર્મલા સીતારમણે યોજનાની રકમ વધારવા અંગે કોઈ માહિતી આપી નથી.