રશિયામાં બનેલી સ્પુતનિક-વી ટ્રાયલ દરમિયાન કોરોના સામે લડવામાં 95% અસરકારક સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કાના ડેટા મુજબ આ વાત સામે આવી છે. પ્રથમ ડોઝ આપ્યા પછી આ વેક્સીને 91.4% અસરકારકતા બતાવી હતી. બીજા ડોઝના 42 દિવસ પછી તે વધીને 95% થઈ ગઈ છે.
વેક્સીન બનાવનાર ગેમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ આ દાવો કર્યો છે. વેક્સીનના બે ડોઝ 39 સંક્રમિતો ઉપરાંત 18794 બીજા દર્દીઓને અપાયા હતા. ભારતમાં આ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ડો. રેડ્ડી લેબોરેટ્રીઝ કરી રહી છે.
મંગળવારે આ વેક્સીનની કિંમત પણ સામે આવી છે. રશિયાના લોકોને તે ફ્રીમાં અપાશે. વિશ્વના બીજા દેશોમાટે તેની કિંમત 700 રૂપિયાથી ઓછી હશે. વિદેશમાં વેક્સીનનું પ્રોડક્શન અને પ્રમોશનનું કામ જોનાર રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ના હેડ કિરિલ દિમિત્રએવે જણાવ્યું હતું કે સ્પુતિનિક-વીની સંભવિત કિંમત બીજી વેક્સીનની સરખાણીમાં ઘણી ઓછી છે.
બીજી વેક્સીનની સરખામણીમાં ઘણી સસ્તી
RDIF દ્વારા અપાયેલી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્પુતનિક-વી વેક્સીનના એક ડોઝની કિંમત 10 ડોલર (740 રૂપિયા)થી ઓછી હશે. વેક્સીનના બે ડોઝ લેવા પડશે. mRNA ટેકનિકથી બનેલી બીજી વેક્સીનની સરખામણી માં આ કિંમત ઘણી ઓછી છે. RDIF એ બીજા દેશોના પાર્ટનર્સ સાથે 2021માં પાંચ કરોડથી વધારે લોકો માટે વેક્સીન બનાવવાનો કરાર કર્યો છે.
2થી 8 ડિગ્રી સેલ્સિયસમાં સ્ટોરેજ શક્ય
RDIF અને તેના પાર્ટનર વેક્સીનનો એવો ડોઝ તૈયાર કરી રહ્યા છે જે 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સુરક્ષિત રહશે. આ કારણે આંતરરાષ્ટ્રિય માર્કેટમાં તેના ડિસ્ટ્રીબ્યુશનમાં ઘણી સરળતા રહેશે.
જાન્યુઆરીમાં પ્રથમ ડિલિવરી થશે
આ વેક્સીનની પ્રથમ ડિલિવરી આગામી વર્ષે જાન્યુઆરીમાં થશે. બીજા દેશોને પ્રથમ બેચ માર્ચ 2021ની શરૂઆતથી મળશે.
હજુ સુધી કોઈ સાઈડ ઈફેક્ટ નથી
વેક્સીનના ત્રીજા તબક્કામાં 40 હજાર વોલિન્ટિયર ભાગ લઈ રહ્યા છે. 22 હજાર વોલિન્ટિયર્સને પ્રથમ ડોઝ, 19 હજારથી વધારે લોકોને બીજો ડોઝ અપાયો હતો. હજુ સુધી કોઈને ખતરારૂપ કોઈ વાત સામે આવી નથી.
અન્ય વેક્સીનની કિંમત
- ફાઈઝરના જણાવ્યા મુજબ તેની વેક્સીનના એક ડોઝની કિંમત 19.50 ડોલર (1446 રૂપિયા) હશે. ફાઈઝરે પોતાની વેક્સિન 90 ટકા અસકારક હોવાનો દાવો કર્યો છે.
- મોર્ડનાની કિંમત 25થી 37 ડોલર (1854-2744 રૂપિયા) રાખી છે. તે પણ 90 ટકા અસકારક હોવાનો દાવો કર્યો છે.