ગાંધીનગર : સરકારે જાહેર કર્યું LRDનું સુધારા સાથેનું પરિણામ, બોર્ડની વેબસાઈટ પરથી જોઇ શકાશે રિઝલ્ટ

0
8

ગાંધીનગરઃ લાંબા વિવાદ બાદ સરકારે સુધારા સાથે લોકરક્ષક દળનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામ રાત્રે 2 વાગ્યાની આસપાસ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. LRDનું પરિણામ જાહેર કર્યા બાદ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, જો કોઇ પરિક્ષાર્થીને આ પરિણામને લઇને કોઇ વાંધો હોય તો તે રજૂઆત કરી શકે છે. નોંધનીય છેકે, 10 ડિસેમ્બરના પરિણામને લઇને મહિલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો અને આંદોલન કર્યું હતું. પરિણામને લઇને હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. આંદોલન ઉગ્ર બનતા સરકારે 10 ડિસેમ્બરે જાહેર કરેલા પરિણામમાં સુધારો કરીને નવું પરિણામ જાહેર કર્યું છે.

LRDના પરિણામને લઇને શું હતો વિવાદ
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 10 ડિસેમ્બર 2019ના રોજ સુધારા સાથેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી હતી. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી હતી.

આંદોલનકારી મહિલાઓની માંગ શું હતી
સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે અનામત રાખેલી બેઠકો પર યોગ્ય ઉમેદવાર ન મળતા ખાલી રહેલી બેઠકો ભરવા અંગે વિવાદ વકરી રહ્યો હતો. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવાના 1 ઓગસ્ટ 2018ના GADના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થયો હતો. અનામત પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, OBC, SC અને ST સમાજના ઉમેદવારોએ વિરોધ કરી મહિલાઓ માટે અનામત રાખેલી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી ભરવાની માંગ કરી રહ્યા હતા.

પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ સામે વિરોધ
1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી હતી.

સરકારે પરિપત્ર મોકૂફ રાખી બેઠકમાં વધારાની જાહેરાત કરી
LRD ભરતી મામલે થઈ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે 1-8-18નો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. આ મામલે આજે નાયબ મુખ્યમંત્રી સીએમ નિતિન પટેલે OBC, ST, SCના આગેવાનો સાથે મળીને મુલાકાત કરી હતી. તમામ આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ સરકારે LRD અનામતના પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આંદોલન યથાવત રહ્યા બાદ ગુજરાત સરકારે મહિલા અનામત અંગેના તા. 1-8-2018ના પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે 2150 બેઠક વધારીને 5227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા આંદોલનકારીઓ માટે જાહેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here