મહેસાણા : સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, પુરવઠા વિભાગ ફરી ઊંઘતો ઝડપાયો

0
0

જિલ્લામાં ઊંઝા અને વડનગર બાદ હવે જિલ્લા મથક મહેસાણામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું વધુ એક કૌભાંડ બહાર આવતાં પુરવઠા વિભાગમાં ચાલતું લોલમલોલ ખુલ્લી પડી ગયું છે. રવિવારે મહેસાણાના ઉત્સવ બંગ્લોઝ નજીક આવેલી સસ્તા અનાજની દુકાનથી રિક્ષામાં ઘઉં અને ચોખાનો સરકારી જથ્થો ભરી દેદિયાસણ જીઆઇડીસીમાં લઇ જવાતો હતો, ત્યારે રસ્તામાં શહેર પોલીસે શંકાના આધારે રિક્ષામાં તપાસ કરી ચાલકની પૂછપરછ કરતાં આ કૌભાંડ બહાર આવ્યું હતું. દરમિયાન પુરવઠા વિભાગને સાથે રાખી જીઆઇડીસી તેમજ ઉત્સવ બંગ્લોઝ નજીકની દુકાને તપાસ કરી હતી. જ્યાં જથ્થામાં વધ-ઘટ માલુમ પડતાં તમામ જથ્થો સીઝ કરી પુરવઠા નાયબ મામલતદાર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક તેમજ મહિલા દુકાનદારના પતિ સહિત ચાર શખ્સો સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.

મહેસાણાના મગપરા વિસ્તારમાં આવેલા ઉત્સવ બંગ્લોઝ નજીક સસ્તા અનાજની દુકાનનાં સંચાલિકા ઇલાબેન પરમારની દુકાનથી રવિવારે રિક્ષામાં 10 કટ્ટા ઘઉં અને ચોખાનું એક કટ્ટુ લઇને નીકળેલી રિક્ષાની મોઢેરા ચોકડીએ પોલીસે અટકાવી રિક્ષાચાલક બકાજી ઠાકોરની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ઉત્સવ બંગ્લોઝ સસ્તા અનાજની દુકાનેથી રિક્ષામાં કટ્ટા ભરી જીઆઇડીસીમાં ગોડાઉને ઉતારવા જતો હોવાનું જણાવ્યું હતું. આથી રિક્ષાચાલકની અટકાયત કરી મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ અને રિક્ષાચાલકને સાથે લઇ બી ડિવિઝન પોલીસ જીઆઇડીસી પહોંચી હતી. જ્યાં દ્વારકાધીશ પ્રોડક્સના જગદીશભાઇ શાહના ગોડાઉનમાંથી અલગ અલગ જથ્થામાં ઘઉંના સેમ્પલ લીધા હતા. બાદમાં પોલીસ અને પુરવઠા નાયબ મામલતદાર સાંજે ઉત્સવ બંગ્લોઝ સ્થિત સસ્તા અનાજની દુકાને અનાજનો સ્ટોક ચકાસતાં તેમાં વધ જણાઇ આવી હતી.

સરકારી અનાજનો પુરવઠો સગેવગે કરવા મામલે સસ્તા અનાજની દુકાનનાં સંચાલિકા ઇલાબેન ગીરીશભાઇ પરમાર, તેમના પતિ ગીરીશભાઇ શિવાભાઇ પરમાર, રિક્ષાચાલક બકાજી ગંભીરજી ઠાકોર અને જીઆઇડીસી સ્થિત દ્વારકાધીશ પ્રોડક્સના માલિક જગદીશ સીતારામ શાહ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કલમ 406, 120બી તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 3, 4, એપેડેમીક ડિસીઝ એક્ટની કલમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 અન્વયે નાયબ પુરવઠા મામલતદાર હિતેન્દ્ર ચૌધરીએ ફરિયાદ નોધાવી હતી. જેની વધુ તપાસ પીએસઆઇ એસ.ડી. ઘાસુરા કરી રહ્યાનું પીઆઇ એસ.એમ. રામાણીએ જણાવ્યું હતું.

તંત્રની મહેરબાનીથી જિલ્લામાં સરકારી અનાજ સગેવગે કરવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલે છે

અગાઉ ઊંઝા પોલીસે સિદ્ધપુર-ખેરાલુ રોડ ઉપર કહોડા ગામની સીમમાં પારસ ફ્લોર ફેક્ટરીમાં છાપો મારી રૂ.15,200નો 152 બોરી સરકારી ઘઉંનો જથ્થો ઝડપી લીધો હતો. આ જથ્થો ઊંઝા આસપાસના ગામોની દુકાનોએથી લવાયો હોવાનું ખુલ્યું હતું. ત્યાર બાદ વડનગરમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક ગણપત પરમાર દ્વારા રૂ.1.12 લાખના સરકારી ઘઉં અને ચોખાનું બારોબારિયું બહાર આવતાં દુકાન સીલ કરી જથ્થો જપ્ત કરાયો હતો. આજ રીતે અન્ય તાલુકાઓમાં પણ ઘણો ખરો જથ્થો માર્કેટયાર્ડમાં પગ કરી જતો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here