અમદાવાદ: જે કે પેપર લિમિટેડ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ સ્થિત પ્લાન્ટને આધુનિક બનાવવા અને વિસ્તરણ કરવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. હાલમાં આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 60,000 ટનની છે જે વધીને 1,60,000 ટન થશે. કંપની આ વિસ્તરણ માટે રૂ. 1500 કરોડનું રોકાણ કરશે. આધુનિક અને સસ્ટેનેબલ ટેકનોલોજીના ઉપયોગથી ડુપ્લેક્સ-કોટેડ બોર્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી સ્ટ્રો, કપ અને પ્લેટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સિંગલ પ્લાસ્ટિકને બદલી શકવામાં મદદરૂપ થશે. કંપનીના વાઈસ ચેરમેન અને એમડી હર્ષ પતી સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હંમેશાં સુસંગત નીતિ અને સ્થિર સરકારના પરિણામે નવીન રોકાણકારોને આકર્ષવામાં તેમજ હયાત રોકાણકારોને પોતાની કામગીરીનો વિસ્તાર કરવા માટે સતત પ્રોત્સાહન આપ્યું છે.
અંદાજિત 1000 થી વધારે સ્થાનિકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે
જે કે પેપરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં કાર્યરત છે જ્યાં હાલમાં 2,200 સ્થાનિકોને કાયમી રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. કંપનીના વિસ્તરણને પરિણામે અંદાજિત 1,000 થી વધારે સ્થાનિકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે તેમજ પેપર-મેન્યુફેક્ચરિંગના યુનિટ માટે કાચો-માલ ઉપલબ્ધ કરાવતા આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પણ લાભ થશે. પ્લાન્ટની ક્ષમતા વધવાને પરિણામે આ વિસ્તારના અંદાજિત 10,000 વધુ ખેડૂતોને પણ લાભ થશે.
પ્લાન્ટના વપરાયેલા પાણીને રી-ટ્રીટ કરી ખેતી માટે વપરાશે
નવીન પ્લાન્ટને પર્યાવરણને અનૂરૂપ બનાવવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં ઉપયોગમાં લેવાયેલા પાણીને રી-ટ્રીટ કરીને ખેતી ક્ષેત્રે પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. પેપરના ઉત્પાદન માટે જરૂરી કાચામાલ માટે કાપવામાં આવતા ઝાડની સંખ્યા કરતાં વધારે છોડ રોપવામાં આવે તેની જે કે પેપર દ્વારા હંમેશાં ખાતરી કરવામાં આવે છે, જેનાથી આ વિસ્તારમાં ગ્રીન કવરમાં વધારો થાય છે.