સલાહ – ડાકોર રણછોડરાયજી મંદિરને સરકારી ગ્રહણઃ નગરપાલિકાએ ત્રણ મહિના મંદિર બંધ રાખવા પ્રમુખને સૂચના આપી

0
15
ડાકોરનું રણછોડરાયજી મંદિર
ડાકોરનું રણછોડરાયજી મંદિર

સીએન 24,ગુજરાત

ડાકોરરણછોડરાયજી પ્રભુના દર્શન માટે હરખઘેલા થયેલા ભક્તોનો હરખ છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ થવા પામી છે. આજે મંદિર ખૂલી શક્યા નથી અને રણછોડરાયજી પ્રભુ ક્યારે ભક્તોને દર્શન આપશે તે સ્થાનિક સરકારી તંત્ર નક્કી કરશે તેમ જણાઈ રહ્યું છે. ડાકોર નગરપાલિકા પ્રમુખે કોરોના સંક્રમિતો પગપેસારાની દહેશત વ્યક્ત કરી કલેકટરને લખેલ પત્ર લખ્યો છે. જેને લઈને ડાકોરમાં ભારે ચકચાર મચી છે તો ભક્તોમાં અકળામણ વ્યાપી છે. અનલોક-1માં સરકારે તમામ ધાર્મિક સ્થળો 8મી જૂને ખોલવાની જાહેરાત કર્યા બાદ મોટા ધાર્મિક સ્થાનો અને ત્યાંના સરકારી વિભાગોએ સઘળી તૈયારીઓ સાથે ભક્તોને આવકારવા કામે લાગ્યા છે. ત્યારે ડાકોર મંદિર ખોલવાની અનિશ્ચિતતા વચ્ચે મંદિર મેનેજમેન્ટ અને સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય પ્રભુના દર્શન માટે ભાવિકભક્તોને વધુ રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

નગરપાલિકા પ્રમુખે ખેડા કલેક્ટરને પત્ર લખ્યો
મહત્વનું છે કે ડાકોર નગરપાલિકા પ્રમુખ રાજેશ પટેલે ડાકોર નગરજનોના આરોગ્યના જોખમને લઈને ખેડાના કલેક્ટરને રજૂઆત પણ કરી છે. તેમણે આગામી 3 મહિના સુધી મંદિર બંધ રાખવા માટે રજૂઆત કરી છે. આ વિગતોને લઈને નગરમાં ચકચાર વ્યાપી છે. પત્રમાં જણાવ્યું છે કે ત્રણ માસ બાદ દર્શન ખૂલતાં હોવાથી સ્વાભાવિક જ દર્શનાર્થીઓનો મોટો ધસારો રહેશે. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો જળવાશે નહીં. વળી, સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો આવવાના હોવાથી નગરમાં કોરોના સંક્રમણનો પગ પેસારો થઈ શકે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે.

મંદિર બહાર લાંબી લાઇનો થતા મુશ્કેલી થશે
આ ઉપરાંત તેઓએ મંદિરની કાર્યપ્રણાલી અંગે પત્રમાં ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, મંદિર મેનેજમેન્ટ માત્ર મંદિર પરિસર પૂરતી જ વ્યવસ્થા કરે છે. જ્યારે મંદિર પરિસર બહારની યાત્રિક વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન નગરપાલિકા, પોલીસ તંત્ર અને અન્ય સરકારી વિભાગોને કરવી પડે છે. જો સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે બે મીટરના અંતરે યાત્રિકોને ઉભા રાખીએ તો પણ 3થી 4 કિલોમીટર જેટલી લાંબી લાઇન થવાની સંભાવના રહે. જેને લઈ ભીડભાડ વધતા પોલીસ માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી મુશ્કેલ બને તેમ છે.
ત્રણ મહિના મંદિર બંધ રાખવા જણાવ્યું
સૌથી મહત્વની બાબત છે કે, ડાકોરમાં 14 જેટલા સીધા પ્રવેશ માર્ગો છે. જ્યાંથી યાત્રિક રણછોડરાય મંદિર સુધી પહોંચી શકે છે. આ તમામ માર્ગો ઉપર પોલીસ કામગીરી કરાવવી અશક્ય છે. જેથી મંદિર 3 માસ માટે બંધ જ રાખવું જોઈએ. વળી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જતી હોવાથી ડાકોરમાં આ સંક્રમણ ન ફેલાય તે અંગે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવું નક્કર આયોજન કર્યા બાદ જ મંદિર ખોલવું જોઈએ તેમ ભાર પૂર્વક જણાવાયુ છે.

રણછોડરાયના દર્શન માટે વધુ રાહ જોવી પડશે
દુનિયા કોરોના સાથે જીવવા અને તેના દ્વારા ફેલાઈ રહેલો ડરને પડકારવા જઇ રહી છે, ત્યારે ડાકોર નગરપાલિકા પ્રમુખ કોરોનાથી ડરી રણછોડરાય મંદિર 3 માસ માટે બંધ રાખવા કલેકટરને રજૂઆત કર્યાની વિગતો જાહેર થતા નગરના શ્રદ્ધાળુઓ અને વેપારી આલમમાં અચરજ ઉભું થયું છે. આ અંગે મંદિરના મેનેજર અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મંદિર મેનેજમેન્ટ દ્વારા કોવિડ-19 અનુસંધાનને તમામ તૈયારી પૂર્ણ થઈ છે. પરંતુ ગઈકાલે સાંજે મિટિંગમાં નગરપાલિકા, પોલીસ અને આરએન્ડબી સરકારી પ્રસાશન દ્વારા મંદિર બહારની યાત્રિક વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન બાબતે આયોજન અને કામગીરી બાકી હોવાથી મંદિર થોડો સમય વધુ બંધ રાખવા અનુરોધ કરાયો છે. જેને લઈ મંદિર ખોલવા અંગે કોઈ ચોક્કસ જાહેરાત થઈ શકી નથી. જેને લઈ ભાવિક ભક્તોને રાજાધિરાજના દર્શન માટે વધુ રાહ જોવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here