Friday, February 14, 2025
HomeBUSINESSBUSINESS : જીએસટી કલેક્શન 12 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડ

BUSINESS : જીએસટી કલેક્શન 12 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડ

- Advertisement -

ઘરેલુ આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે જાન્યુઆરી, ૨૦૨૫માં કુલ જીએસટી આવક ૧૨.૩ ટકા વધીને ૧.૯૬ લાખ કરોડ રૂપિયા રહી છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.  જીએસટી કલેક્શનમાં ઘરેલુ સ્તરે વસ્તુઓ અને સેવાઓના વેચાણથી આવક ૧૦.૪ ટકા વધીને ૧.૪૭ લાખ કરોડ રૂપિયા રહી છે. આયાત કરેલી વસ્તુઓથી ટેક્સ આવક ૧૯.૮ ટકા વધીને ૪૮,૩૮૨ કરોડ રૂપિયા રહી છે.
જાન્યુઆરીમાં કુલ જીએસટી આવક ૧,૯૫,૯૦૬ કરોડ રૂપિયા રહી છે. જે વાર્ષિક ધોરણે ૧૨.૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરી, ૨૦૨૫માં ૨૩,૮૫૩ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું છે જે ૨૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ જીએસટી આવક ૧.૭૨ લાખ કરોડ રૂપિયા રહી છે. જે વાર્ષિક ધોરણે ૧૦.૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ટેક્સ નિષ્ણાતના જણાવ્યા અનુસાર જીએસટી કલેક્શનમાં સતત વધારો આર્થિક વૃદ્ધિમાં ઝડપ અને ઉદ્યોગોની વચ્ચે ટેક્સ અનુપાલન વધવાના સંકેત આપે છે. તેમણે જણાવ્યું હતું કે વધારે રિફંડ છતાં સંગ્રહમાં વૃદ્ધિ પ્રશંસનીય છે. આ બિઝનેસ સુગમતાની દિશામાં એક ઉત્સાહનજક પગલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં ૧૦-૨૦ ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળી છે.

બીજી તરફ જીએસટી અધિકારીઓ માટે એ ચિંતાની વાત છે કે કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં ફક્ત પાંચથી ૯ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

સૌથી વધુ જીએસટી કલેક્શન મહારાષ્ટ્રમાં ૩૨,૩૩૫ કરોડ રૂપિયા રહ્યું છે. મહારાષ્ટ્ર પછી સૌથી વધુ જીએસટી કલેક્શન અનુક્રમે કર્ણાટક, ગુજરાત  અને તમિલનાડુમાં રહ્યું છે. ૈગુજરાતનું જીએસટી કલેક્શન ૧૨,૧૩૫ કરોડ રૂપિયા, કર્ણાટકનું ૧૪,૩૫૩ કરોડ રૂપિયા, તમિલનાડુનું ૧૧,૪૯૬ કરોડ રૂપિયા અને હરિયાણાનું જીએસટી કલેક્શન ૧૦,૨૮૪ કરોડ રૂપિયા રહ્યું છે.

સૌથી ઓછું જીએસટી કલેક્શન લક્ષદ્વીપમાં ૧ કરોડ રૂપિયા, મણિપુરમાં ૫૬ કરોડ રૂપિયા, મિઝોરમમાં ૩૫ કરોડ રૂપિયા, અંદામાન અને નિકોબારમાં ૪૩ કરોડ રૂપિયા અને નાગાલેન્ડમાં ૬૫ કરોડ રૂપિયા રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, ૨૦૨૪માં જીએસટી કલેક્શન ૧,૭૪,૧૦૬ કરોડ રૂપિયા રહ્યું હતું. ડિસેમ્બર, ૨૦૨૪માં જીએસટી કલેક્શન ૧,૭૬,૮૫૭ કરોડ રૂપિયા રહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular