ગુજરાતની 2021થી 2025 સુધીની નવી પ્રવાસન નીતિ જાહેર, એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન

0
5

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની નવી 2021થી 2025 સુધીની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે. જેમાં અનેક રાહતો, સહાય અને સબસીડી આપવામાં આવશે. એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.15 લાખ) પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશેરૂપાણીએ નવી પ્રવાસન નીતિ નું લોંચીંગ કરતાં જણાવ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ ના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિમાં ‘‘વોકલ ફોર લોકલ’’ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ આપણે રાખી છે. વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુકત બનશે.

છેલ્લાં 9 વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા 15% CAGRના દરે વધી

આવી વિવિધ પ્રવાસન સમૃદ્ધિના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા 15% CAGRના દરે વધી છે, જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12%ના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે.મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, નવી ટુરિઝમ પોલિસી 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે.

સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકોનું સર્જન કરવું

6 મહિનાના સમયગાળા માટે દર મહિને ગાઇડદીઠ રૂ.4000 સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરીને ટુરિસ્ટ ગાઈડ્સ માટે રોજગારીની તકોનું નિર્માણ કરાશે.15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.10 લાખ) દ્વારા કેરેવાન ટુરિઝમને પ્રમોટ કરીને પ્રવાસનના વિશિષ્ટ સેગમેન્ટમાં સાહસ માટે પ્રેરિત કરાશે. 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.25 લાખ) દ્વારા ગુજરાતના વિશાળ જળ સ્ત્રોતોનો લાભ મેળવવા માટે રિવર ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન અપાશે.

પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો લાભ લેવો

પ્રત્યેક કાર્યક્રમ માટે વાર્ષિક રૂ.5 લાખ સુધીની નાણાકીય સહાયતાથી ગ્રામ્ય પ્રવાસન મેળાઓ આયોજિત કરીને ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હેન્ડલૂમ્સ, હસ્તકળા વગેરેને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. 20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે.

MICE ઇવેન્ટ્સ માટે પસંદગીનું સ્થળ બનવાનો ગુજરાતનો લક્ષ્યાંક છે

રાજ્ય સરકાર દ્વારા 15% કેપિટલ સબસીડી અને લીઝ પર જમીન આપીને કન્વેન્શન સેન્ટર્સની સ્થાપના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને MICE સેક્ટરને ઉત્તેજન આપવું. મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે અને રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય MICE ઇવેન્ટ્સનું આયોજન કરવું અને આ માટે અનુક્રમે રૂ.5 લાખ સુધીની અને રૂ.2 લાખ સુધીની નાણાકીય સહાયતાઓ પ્રદાન કરાશે.

વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન

એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.15 લાખ) પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.મુખ્યમંત્રી રૂપાણીના નિર્ણાયક નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. પ્રવાસન ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં મહત્વનો હિસ્સો ધરાવે છે ત્યારે, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પ્રવાસન નીતિ 2015-20નો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે એકોમોડેશન યુનિટ્સની સંખ્યા વધારવાનો હતો, જેના માટે આ પોલિસીના સમયગાળા દરમિયાન પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી.