Friday, September 13, 2024
Homeગુજરાત બજેટ : નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કૃષિ અને શિક્ષણ પર ભાર...
Array

ગુજરાત બજેટ : નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કૃષિ અને શિક્ષણ પર ભાર મૂક્યો, જાણો કોને શું મળ્યું?

- Advertisement -

આજથી શરૂ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2019-20નું 2,04,815 કરોડનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. નાણાં મંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતા પહેલા એક સંબોધન કર્યું હતું. તેમણે આજે લોકસભામાં ભવ્ય જીત મેળવી તે બદલ પીએમ મોદી અને અમિત શાહનો જનતા વતી આભાર માન્યો હતો.

ખેડૂતોને શું મળ્યું ?

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો વીજ કનેક્શન, પાક વીમો અને કૃષિ લોનને લઇ કેટલીક જોગવાઇઓ જાહેર કરી છે. નાણામંત્રી નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતને રૂ 1131 કરોડ ચૂકવ્યા છે. આ ઉપરાંત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7111 કરોડની જોગવાઇ કરાઇ છે. સાથે જ ગ્રામ્ય કક્ષાની યોજનાની અમલવારી માટે માટે 2771 નવી જગ્યાઓ ભરાશે જેમાંથી ચાલુ વર્ષમાં જ 1121 જગ્યાઓ ભરી દેવામાં આવશે. બેંક લોનને લઇ કહ્યું કે, ખેડૂતો દર વર્ષે બેંકમાંથી રૂ.15 હજાર કરોડની લોન મેળવે છે અને ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ આપવામાં આવે છે. ત્યારે બજેટમાં કૃષિ લોનમાં ખેડૂતો માટે વધુ રૂ 952 કરોડની જોગવાઇ કરાઇ છે અને પાક વિમા અંતર્ગત રૂ.1073 કરોડ ફાળવાયા છે. સાથે જ ખેડૂતોને સાધનોની ખરીદી માટે રૂ. 234 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 32 હજાર ખેડૂતોને સહાય અપાશે. આ ઉપરાંત સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવા માટે પણ 750 કરોડની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુજરાતમાં 1.25 લાખ ખેડૂતોને નવા વીજ કનેક્શન અપાશે અને ખેડૂતોની આવક રાજ્યમાં 2022 સુધી બમણી કરવામાં આવશે.

પાણીને લઇ ખાસ જાહેરાત:

રાજ્યમાં ગત વર્ષે ઓછા વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સરકારે રાજ્યમાં પીવાના પાણીની સક્ષમ યોજના શરૂ કરી છે. ‘નલ સે જલ’ યોજના હેઠળ અગામી પાંચ વર્ષમાં ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. રાજ્યમાં નવ સેજલની યોજના અંતર્ગત 20 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના વધુ 25 ડેમ અને 100 ચેક ડેમ ભરવામાં આવશે. શહેરોના ગંદાપાણીના રીસાયકલ કરીને ખેતી અને ઉઘોગોમાં વપરાશમાં લેવાશે. રાજ્યમાં સુક્ષ્મ સિંચાઈ માટે રૂપિયા 750 કરોડ અને જળ સંચયની પાઈપલાઈન માટે 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાથે જ સરકારે માઈક્રો ઇરિગેશનનો વ્યાપ વધારવાની પણ જાહેરાત કરી છે. રાજ્યમાં 18 લાખ હેકટરમાં માઈક્રો ઇરિગેશન થાય છે. 11.34 લાખ ખેડૂતોને માઈક્રો ઇરીગેશનનો લાભ અપાશે. તો 2022 સુધી તમામ લોકોના ઘરે પાણી અને તમામ લોકોને આવાસ મળશે.

માછીમારો માટે શું?

મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ અને કેરોસિન સહાય માટે 18 કરોડની જોગવાઈ કરી છે.

રોજગારી માટે શુ?

રાજ્યમાં રોજગારીને ધ્યાનમાં રાખીને બજેટ જાહેર કરાયુ છે. સરકાર આગામી 3 વર્ષમાં 60 હજાર નવા કર્મચારીઓની ભરતી કરશે અને નવા 70 હજાર સખી મંડળો નિર્માણ કરાશે. સરકારે સુખી મંડળોના નિર્માણ માટે 700 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સાથે જ હવે મુખ્યમંત્રી એન્ટરપ્રિન્યોશીપ યોજના હેઠળ રોજગારી ઉત્પન્ન કરાશે. વિવિધ રોજગાર યોજનાઓને 15 લાખ યુવાનોને લાભ મળશે. સાથે જ 3 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 50 લાખ લોકોને લાભ મળશે. જ્યારે યુવાનોને રોજગારી મળે એ માટે 31877 કરોડની લોન મળશે.

આરોગ્ય માટેની જાહેરાતો

આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 10 હજાર 200 કરોડની જોગવાઈ ફાળવાઈ છે. આ યોજનાથી રાજ્યના 4 કરોડને ફાયદો થશે. સરકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે 110 કરોડની જોગવાઈ કરી છે. માં વત્સલ્ય યોજનામાં એક હજારની જોગવાઈ કરાઈ છે. તો આરોગ્ય વિભાગમાં 8600 લોકોને નોકરી આપવામાં આવશે. સરકારે જામનગરની જીજી હોસ્પિટલ માટે 25 કરોડ, ભાવનગરની સર.ટી. હોસ્પિટલ માટે 10 કરોડ અને મહેસાણાની સિવિલ હોસ્પિટલ માટે 5 કરોડ ફાળવ્યા છે.

સરકારે જાહેર કરી વહાલી દિકરી યોજના

આ વર્ષના બજેટમાં બાળકીઓને લઈને સરકારે વહાલી દીકરી નામની યોજનાની જાહેરાત કરી છે. આ યોજનામાં 133 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ મળશે. કુટુંબના પહેલા 2 બાળકોમાંથી દીકરીને આ યોજનાનો લાભ મળશે. દીકરીને ધો-1માં પ્રવેશ સમયે 4 હજાર અને ધોરણ-9માં પ્રવેશ સમયે 6 હજાર રૂપિયા અપાશે. આ ઉપરાંત દીકરી 18 વર્ષની થાય ત્યારે સરકાર 1 લાખ રૂપિયાની સહાય પણ આપશે. સાથે જ ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે પણ સરકાર રકમ આપશે.

શિક્ષણને લઇને મોટી જાહેરાત:

નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતનું પૂર્ણ કાલિન બજેટ રજૂ કર્યું છે. જેમાં નીતિન પટેલે શિક્ષણ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાં શિક્ષણ વિભાગ માટે 30 હજાર 045 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં નવી યુનિવર્સિટીઓ, શાળાના બાંધકામ, મધ્યાહન ભોજન, સંજીવની યોજના, ત્રિવેણી યોજના, રાઈટ ટુ એજ્યુકેશન, વર્ચ્યુઅલ ક્લાસ..યુવા સ્વાવલંબન. જેવી યોજનાઓ માટે કરોડો રૂપિયાની જાહેરાત કરી છે. ત્યારે આવો જોઈએ શિક્ષણ વિભાગ માટે નીતિન  પટેલના બજેટમાં શું હતું.

સૌર ઉર્જાને લઇ મોટી જાહેરાત:

રાજ્ય સરકારે બજેટમાં ગ્રીન એન્ડ ક્લીન એનર્જી પર ભાર મૂક્યો છે. જે અંતર્ગત રિન્યૂએબલ એનર્જીને 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ સુધી લઇ જવાનો લક્ષ્ય છે. ઉપરાત સરકારે નવી સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે. જેમાં 3 કિલોવોટના પ્લાન્ટ બેસાડનારને 40 ટકા સબસીડી અને 2થી 20 કિલોવોટ પ્લન્ટ માટે 20 ટકા સબસીડી આપવામાં આવશે. સોલર ઉર્જા માટે રૂ.1000 કરોડની જોગવાઇ કરાઇ છે. જેનો સીધો લાભ 2 લાખ પરિવારને મળશે.

બજેટની મોટી જાહેરાતો:

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે રૂ.260 કરોડ
  • આગામી 3 વર્ષમાં 60 હજાર સરકારી કર્મચારીઓની કરાશે ભરતી
  • ચાલુ વર્ષે 1121 જગ્યાઓ ભરી દેવામાં આવશે
  • બે લાખ પરિવારોને લાભ માટે 1 હજાર કરોડની ફાળવણી
  • ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની ક્ષમતામાં વધારો કરશે
  • ગુજરાતમાં ગ્રીન એન્ડ ક્લીન એનર્જીનો વ્યાપ વધાર્યો
  • માઇક્રો ઇરિગેશનનો વ્યાપ વધારવા ખાસ જોગવાઇ
  • રાજ્ય સરકારનું 2 લાખ 4 હજાર 815 કરોડ રૂપિયાનું બજેટનું કદ
  • વિકાસ માટે રાજ્ય સરકારે આયોજન કર્યાં છેજળ વ્યવસ્થાને પણ વર્તમાન બજેટમાં સ્થાન અપાયું
  • શહેરોમાં ગંદા પાણીના નિકાલ માટે અલગ વ્યવસ્થા
  • શહેરોના ગંદાપાણીના રીસાયકલ કરીને ખેતી અને ઉઘોગોમાં વપરાશમાં લેવાશે
  • ગટરના પાણીનું રિસાઇકલ કરીને ખેતીમાં ઉપયોગમાં લેવા આયોજન
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular