ગુજરાત કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલને દિલ્હીની જવાબદારી: ઈન્ચાર્જ બનાવાયા

0
15

નવીદિલ્હી, તા. 13
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી ન શકતા કોંગ્રેસમાં સન્નાટો છે અને દિલ્હીના પ્રદેશ પ્રમુખ સુભાષ ચોપરા તથા ઈન્ચાર્જ પી.સી.ચાકોએ રાજીનામા આપી દીધા છે ત્યારે વચગાળાના ઈન્ચાર્જ તરીકે મોવડી મંડળે ગુજરાત કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલને હવાલો સોંપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સતાવાર નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હી વિધાનસભામાં ચૂંટણી હારની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તથા ઈન્ચાર્જ આવેલા રાજીનામાનો હાઈકમાંડે સ્વીકાર કરી લીધો છે. વચગાળાના ઈન્ચાર્જ તરીકે શકિતસિંહ ગોહિલને નિમણુંક આપવામાં આવી છે. તેઓની બિહારના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી યથાવત રહેશે. શકિતસિંહ ગોહિલને પી.સી.ચાકોની જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો અત્યંત કંગાળ દેખાવ હતો. 2015 માં પણ પાર્ટીને એક પણ બેઠક મળી નહતી. આ વખતે પણ પાર્ટી ખાતુ ખોલાવી શકી નહતી એટલું જ નહીં પાર્ટીનો વોટ શેર પણ ઘટીને 4.2 ટકા રહી ગયો છે જે 2015 માં 9.3 ટકા હતો.