ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. 9.30 વાગ્યા સુધીમાં સરેરાશ 4.92 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદર જિલ્લાનું 9.30 વાગ્યે સૌથી ઓછું 3.92 ટકા અને ડાંગ જિલ્લાનું સૌથી વધુ 7.78 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ઇટાલિયાની કતારગામ સીટ પર સૌથી ઓછું 1.41 ટકા જ મતદાન થયું છે. જ્યારે સંગીતા પાટીલની સીટ લિંબાયતમાં 2.87 ટકા મતદાન સાથે સૌથી ઓછા મતદાનમાં બીજા ક્રમે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગરથી તેઓ સતત રાજ્યની રાજકીય સ્થિતિ અને મતદાનનો તાગ મેળવશે. અમરેલી સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ-સિલિન્ડર બાંધીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નારણપર ગામે મતદાન કર્યું હતું.
જામનગર ઉત્તરનાં ઉમેદવાર રીવાબાએ આજે રાજકોટ પશ્ચિમ સીટમાં આવેલી આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, કારણ કે તેમનું રાજકોટની મતદારયાદીમાં નામ છે. જ્યારે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે. રાજકોટ પશ્ચિમ સીટ પરથી 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને 2017માં તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી જીત્યા હતા. જ્યારે હોટ સીટ બનેલી ગોંડલ સીટનાં ઉમેદવાર ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું.