ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી જાહેર કરાઇ.

0
1

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે દીર્ઘ દ્રષ્ટિપૂર્વક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી (GSFU)ની સ્થાપના કરી હતી. રાજ્યની આ યુનિવર્સિટીએ દેશ-વિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવી છે ત્યારે ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રેડ્ડીએ બિલ રજૂ કર્યું

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જાડેજાએ આભાર વ્યક્ત કરી ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાના કરેલા કેન્દ્ર સરકારે નિર્ણય અંગે જણાવ્યું હતું કે, આ માટેનું બિલ આજે લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામા પસાર કરાયુ હતું. જે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર 100 ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે.

શિક્ષણની સાથે ઇન્વેસ્ટિગેશન, રિસર્ચ અને ટ્રેનિંગના કારણે રાષ્ટ્રીય દરજ્જો

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, આ યુનિવર્સિટી દેશ અને દુનિયા માટે મહત્વની પૂરવાર થશે. આજનાં ડિજિટલ યુગના સમય-ગાળામાં ફોરેન્સિક સાયન્સ જેવા વિષય અંગેની નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા રાજ્યમાં છે. જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને મજબૂત બનાવવા અંગેનાં રિસર્ચ અને ટ્રેનિંગનું છે. રાજ્ય સરકારની આ ક્ષેત્રે વિકાસ કરવાની પ્રતિબધ્ધતાના કારણે આ કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેના પરિણામે દેશ-વિદેશના આ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સીધો લાભ મળશે.

ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી એ મોદીનું વિઝન

મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના એ ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી અને હાલના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે, જેની સ્થાપનાનો મૂળ હેતુ દેશ અને દુનિયામાં ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની કમીને પહોંચી વળવા માટેનો હતો. સમયાંતરે ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની અપૂરતી સંખ્યા અને તેની ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ પરની અસરોને ધ્યાને લેતા એક અલાયદી સંસ્થા હોવી જોઈએ એ વિચાર સાથે GSFUની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મૂળ હેતુ સાયબર ક્રાઈમ, ડિજિટલ ફોરેન્સિક, બિહેવિરલ સાયન્સ વગેરેમાં શિક્ષણ, ટ્રેનિંગ, રિસર્ચ અને કન્સલ્ટન્સી પૂરી પાડવી છે.

10 વર્ષમાં 10 હજારથી વધુ પોલીસ ઓફિસર્સ સહિતનાને તાલીમ

માત્ર 10 વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં 10 હજારથી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુન્હા સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની ભૂમિકા અને યોગદાનને ધ્યાને લેતા તેને કેન્દ્રીય કક્ષાએ આગળ વધારવી આખાય દેશનાં પરિપ્રેક્ષ્યમાં જરૂરી હોય પ્રધાનમંત્રીએ આ યૂનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

58 દેશો સાથે MOU કરી GSFU દ્વારા મદદ

GSFUએ 58 દેશો સાથે MOU કર્યા છે, જે અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી રહી છે. એ જ રીતે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ મ્યાનમાર, માલદિવ, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, ત્રિનીદાદ અને ટોબેગો જેવા દેશમાં off-shore કેમ્પસ સ્થાપવાની અનેક દરખાસ્તો આ યુનિવર્સિટી પાસે આવે છે. આ યુનિવર્સિટીમાં દેશમાં ઓફ કેમ્પસ સેન્ટર તથા વિદેશમાં ઓફ-શોર કેમ્પસની સ્થાપના કરી શકાશે. જેનાથી ફોરેન્સિક સાયન્સનાં શિક્ષણ, રિસર્ચ, ટ્રેનિંગ અને કન્સલ્ટન્સીનો વ્યાપ દેશ અને દુનિયામાં વધારવા માટે ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા પાયારૂપ બનશે.

વિદેશી સંસ્થાના ફંડેડ રિસર્ચ અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ સરળતાથી મળશે

સૂચિત યુનિવર્સિટીનું મુખ્ય મથક ગાંધીનગર ખાતેની ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી રહેશે. યુનિવર્સિટીમાં વિવિધ કેન્દ્રીય સંસ્થાઓ, કેન્દ્ર સરકારનાં અન્ય વિભાગો તેમજ વિદેશી સંસ્થાઓ પાસેથી ફંડેડ રિસર્ચ અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ મેળવવામાં પણ સરળતા થશે. આ યુનિવર્સિટીનું સૂચિત માળખું એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, આ સંસ્થા દેશની અન્ય તમામ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનાં કેપેસિટી બિલ્ડિંગ વધારવામાં પણ મહત્વની સાબિત થશે.

યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે

મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને 100 % ગ્રાન્ટ આપવામાં આવશે, અને દેશ-દુનિયામાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રેના અભ્યાસક્રમો તથા સંશોધનોમાં વધારો થતા ગુજરાત વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here