આવતીકાલથી રાજ્યમાં વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થશે. ત્યારે બજેટની તમામ તૈયારીઓને રાજ્ય સરકારે આખરી ઓપ આપી દીધો છે. મંગળવારથી શરૂ થનારૂ વિધાનસભા સત્ર 25 જૂલાઇએ પૂર્ણ થશે. આ દરમિયાન નાણામંત્રી નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
આ ઉપરાંત ફાયર સેફ્ટી, જળનીતિના કાયદામાં સુધારો કરતું બિલ પણ રજૂ કરવામાં આવશે. સાથે જ અંધજનોને પેન્શનની નવી યોજનાઓ, પ્રજાલક્ષી નવી નીતિ અને યોજનાઓની જાહેરાત થઇ શકે છે. તો કોંગ્રેસ વિધાનસભા સત્ર દરમિયાન સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે.
કોંગ્રેસ ખાતર, મગફળીકાંડ મુદ્દે, દલિતોને અન્યાય અને સુરત અગ્નિકાંડ મુદ્દે સરકારને વિધાનસભામાં ઘેરશે. ગાંધીનગર ખાતે બજેટની તૈયારીઓને લઇ રાજ્ય સરકાર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. આ બેઠકમાં ડે.સીએમ નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા.
વિધાનસભા સત્રમાં રજૂ કરનારા 7 વિધેયકોને આખરી ઓપ આપવા માટે આ બેઠકનું આયોજન કરાયુ હતું. આ અગાઉ નાણા પ્રધાન નીતિન પટેલે વચગાળાનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાતને નવા રાજ્યપાલ મળી શકે છેરાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ જૂલાઇના અંતમાં પૂર્ણ થઇ રહ્યો છે. જેને કારણે ગુજરાતને નવા રાજ્યપાલ મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત અન્ય 12 રાજ્યોને પણ નવા રાજ્યપાલ મળી શકે છે.