Thursday, August 5, 2021
No menu items!
Homeઅમેરિકાથી ગ્રાઉન્ડ રિપોર્ટ - શિકાગોમાં ગુજરાતી અંબરિષ ઠાકરનો સ્ટોર લૂંટાયો, કહ્યું- ‘‘11...
Array

અમેરિકાથી ગ્રાઉન્ડ રિપોર્ટ – શિકાગોમાં ગુજરાતી અંબરિષ ઠાકરનો સ્ટોર લૂંટાયો, કહ્યું- ‘‘11 વર્ષમાં પહેલી જ વાર USAમાં આવી અરાજક સ્થિતિ જોઈ’’

  • પોલીસની ઈમરજન્સી સર્વિસ કોઈ પ્રતિસાદ આપતી ન હતી અને હજારોના ટોળા બેરોકટોક આરામથી લૂંટ મચાવતા હતા
  • વજનદાર હથોડા, પાઈપ, મેટલ કટર અને બંદૂકો સાથે ઘૂમતાં ટોળાઓએ સ્ટોર્સમાં તોડફોડ કરીને બધું ખેદાનમેદાન કરી નાંખ્યું

મૂળ રાજુલાના અંબરિષ ઠાકરના શિકાગોમાં આવેલા સ્ટોરમાં 500થી વધુ લોકોના ટોળાએ લૂંટફાટ અને તોડફોડ કરી હતી. ઈન્સેટ તસવીરમાં અંબરિષ ઠાકર.

સીએન 24,ગુજરાત

શિકાગો. અંબરિષ ઠાકર મૂળ રાજુલા (જિ. અમરેલી)ના વતની છે અને 2009થી શિકાગો ખાતે વસવાટ કરે છે. શિકાગો અને આસપાસના વિસ્તારોમાં મોટેલ, લિકર-ગ્રોસરી અને હેલ્થ-વેલનેસ સ્ટોર્સ ધરાવે છે. અમેરિકામાં પ્રસરેલા રમખાણો દરમિયાન તેમના સ્ટોર્સ પણ લૂંટ અને તોડફોડનો ભોગ બન્યાં છે. ઘટનાની તસવીરો ઉપરાંત વિગતો તેમના શબ્દોમાં જ પ્રસ્તુત છે…

28 મેથી શિકાગો ઉપરાંત અન્ય રાજ્યોમાં શરૂ થયેલા રમખાણોને લીધે અમે સહુ ચિંતિત હતાં જ. સબર્બ વિસ્તારમાં કદાચ એવું નહિ થાય એવા અંદેશા સાથે શનિવારે અમે સૌએ માર્કેટ ઓપન કર્યું હતું. સાવચેત રહેવાની ચેતવણીઓ સતત અપાતી હતી. કોરોના આફતના કારણે ફસાયેલા ગુજરાતી કે અન્ય ભારતીયોને હું મારી મોટેલમાં કોઈ ચાર્જ વગર રહેવાની સુવિધા કરી આપું છું. એ લોકો પણ ડરેલા હતા.

શનિવારે બપોરથી સબર્બ એરિયામાં પણ તંગદીલી વધવા લાગી અને અશ્વેતોના ટોળા મોટી સંખ્યામાં રોડ પર આવવા લાગ્યા. ચારેબાજુ ટોળાની તોફાની, અરાજક ચિચિયારીઓ અને પોલીસ કે કાયદાનું ક્યાંય નામોનિશાન નહિ. હિન્દી ફિલ્મ એરલિફ્ટ જેવા દૃષ્યો રોડ પર વર્તાતા હતા. હવે સ્થિતિ એવી હતી કે અમે સ્ટોર બંધ પણ કરી શકીએ એમ ન હતા. કારણ કે બંધ કરીને અંદર પૂરાઈ રહેવું પડે એ સ્થિતિ વધુ ભયજનક હતી.

ટોળાએ સ્ટોરમાં દાખલ થતાં વેંત વજનદાર હથોડાથી કાચ અને ફર્નિચર તોડી નાંખ્યું તેમજ દિવાલોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

ડરના માર્યા શું કરવું એ અમે હજુ વિચારીએ એ પહેલાં આશરે 500થી વધુ લોકોનું ટોળુ અમારી લેનમાં તોડફોડ કરવા માંડ્યું. એ ટોળામાં મોટી સંખ્યામાં અશ્વેતોની સાથે કેટલાંક ગોરાઓ પણ સામેલ હતા. માત્ર લૂંટફાટ જ નહિ, જાણે બદલો લેવાનો આક્રોશ હોય એવું પણ એમનાં હિંસક વર્તનમાં સ્પષ્ટ જોવા મળતું હતું.

તોફાનો એટલાં સુઆયોજિત હતા કે તેઓ વજનદાર હેમર, મેટલ કટર, પાઈપ ઉપરાંત ઓટોમેટિક ગન લઈને ખુલ્લેઆમ ઘૂમતાં હતા. હું અગિયાર વર્ષથી અમેરિકા છું, પણ આવી અરાજક અને હિંસક સ્થિતિ આ પહેલાં મેં કદી જોઈ નથી. મારા સ્ટોરની આસપાસના સ્ટોર્સ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સમાં તોડફોડ શરૂ થઈ એટલે અમે સમજી જ ગયા કે હવે આપણો વારો છે. પ્રતિકાર કરવાથી મામલો વધુ વણસે તેમ હતો અને પોલીસ આવતી ન હતી એટલે અમે જાણે વારો આવે તેની રાહ જોતાં હોઈએ એમ સ્ટોરમાં ફફડતા બેસી રહ્યા.

ટોળાએ મેટલ કટરથી મજબૂત વોલ્ટ તોડી અંદર પડેલી કેશ પણ લૂંટી લીધી હતી.

છેવટે અમારો ય વારો આવી જ ગયો. મોટી સંખ્યામાં ટોળુ અમારા સ્ટોરમાં પ્રવેશ્યું અને અંદર આવતાં વેંત વજનદાર હથોડા જ્યાં ત્યાં ફટકારવા માંડ્યા. કાચ તોડી નાંખ્યા. શો-કેસનો માલસામાન ફર્શ પર ફગાવવા માંડ્યા. ફર્નિચર તોડી નાંખ્યું, દિવાલોને પણ વજનદાર હથોડા ફટકારીને ભારે નુકસાન પહોંચાડ્યું. લોખંડની વજનદાર કે મજબૂત વોલ્ટ હતી તે મેટલ કટરથી તોડી નાંખી અને અંદર પડેલી કેશ લૂંટી લીધી.

મારા મિત્ર નયન પટેલના સ્ટોર્સની બદહાલી પણ એવી જ ખરાબ હતી. તેમનાં સ્ટોર પર 2000થી વધુ લોકોનું ટોળું ત્રાટક્યું હતું અને કોઈ ડર વગર નિરાંતે 3-4 કલાક સુધી એમની નજર સામે જ ટોળાએ એવી લૂંટ મચાવી હતી કે સ્ટોરની અંદર બધું જ ખેદાનમેદાન કરી નાંખ્યું અને ખપમાં આવે એવી એક નાનકડી ચીજ પણ ન રહેવા દીધી.

લૂંટરુઓએ ફરીથી સ્ટોર ખોલશો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.

સાધારણ રીતે પોલીસની ઈમરજન્સી સર્વિસ 911 તેની એક્યુરસી માટે પંકાય છે. પરંતુ આ તોફાનોમાં પોલીસ પણ બેહદ નિષ્ક્રિય સાબિત થઈ છે. 911 પર સંખ્યાબંધ ફરિયાદો કરવા છતાં ભાગ્યે જ એકેય જગ્યાએ પોલીસ સમયસર પહોંચી છે. એવું પણ કહેવાય છે કે લોકોનો આક્રોશ ઠંડો પાડવા માટે પોલીસે જાણીજોઈને નિષ્ક્રિયતા દાખવી છે જેથી ઘર્ષણ ન થાય અને લોકોનો આક્રોશ ઓછો થાય.

લૂંટફાટ કરનારાઓએ તોડફોડ કરી, માલસામાન લૂંટ્યો અને ફરીથી સ્ટોર ખોલશો તો જાનથી મારી નાંખશું એવી ધમકીઓ પણ આપી. એ બધું ચૂપચાપ સાંભળી કે સહી લેવા સિવાય અમારી પાસે બીજો વિકલ્પ જ ન હતો. ભયને લીધે એ પછી હજુ સુધી અમે સ્ટોર્સ કે મોટેલ્સ ખોલી શક્યા નથી. હજુ પણ ભયનો માહોલ યથાવત છે. મારા સ્ટોરને મેં સલામતી ખાતર લાકડાનું શિલ્ડ જડી રાખ્યું છે, પરંતુ અમને સૌને ખબર છે કે પોલીસ જ્યાં સુધી સક્રિય નહિ થાય ત્યાં સુધી કશું જ સલામત નથી.

હાલ રાતના 8થી સવારના 6 સુધી કર્ફ્યૂ લાદી દેવાયો છે, પરંતુ હજુ ય ગમે ત્યારે ટોળા નીકળી પડે અને ત્રાટકે એવો ભય નકારી શકાય એમ નથી. મારી મોટેલ્સમાં કોરોનામાં ફસાયેલા ગુજરાતીઓ, ભારતીયો પણ આશ્રય લઈ રહ્યા છે. આ સ્થિતિ જો લાંબી ચાલશે તો એ સૌની મુશ્કેલી પણ વધી શકે છે.

કોરોના મહાસંકટને લીધે લોકો બે મહિનાથી ઘરમાં પૂરાયેલા છે. સાડા ત્રણ કરોડ લોકો બેરોજગાર છે. એમાં આ ટોળાશાહીને લીધે અસામાજિકોને છૂટ્ટો દૌર મળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે અમે રાહ જોઈએ છીએ કે પ્રશાસન જલદી સ્થિતિ પર કાબૂ મેળવે અને વેપાર-ધંધા પૂર્વવત્ત થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments