રામ મંદિર અને સોમનાથ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓની મહત્ત્વની ભૂમિકા રહી

0
4

દેશમાં રામ મંદિર નિર્માણને લઈને દેશના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશના સૌથી બે મોટા મંદિરોના નિર્માણમાં ગુજરાતીઓ અને ગુજરાતની મહત્ત્વનીની ભૂમિકા રહી છે. દેશના સૌથી બે મોટા મંદિરમાં સોમનાથ અને આજથી નિર્માણકાર્ય શરૂ થશે તેવા રામ મંદિરનો સમાવેશ થાય છે. મહત્ત્વની વાત છે કે, સોમનાથ મંદીરનાં પુનઃ નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલની મહત્ત્વની ભૂમિકા રહી હતી.

ગુજરાતના ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મહાદેવના મંદિરના પુન: નિર્માણ માટે ડિઝાઇન તૈયાર કરનારા સોમપુરા પરિવાર દ્વારા જ અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રામ મંદિરના નિર્માણ માટે 80ના દાયકામાં ભાજપ નેતા એલ.કે. અડવાણીએ યાત્રાધામ સોમનાથથી જ રથયાત્રાનો આરંભ કર્યો હતો. રથયાત્રા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પણ મહત્ત્વ રહી હતી. 1989થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાઓ આયોધ્યા મોકલવાની કામગીરી સંભાળી લીધી હતી.

રામ મંદિરના નિર્માણ માટે સૌથી વધારે શિલાઓ ગુજરાતમાંથી મોકલવામાં આવી છે. તો બીજી તરફ જ્યારે પથ્થરો પર કોતરણી કામ કરવામાં આવ્યું હતું ત્યારે પણ મોટી સંખ્યામાં કારીગરો સૌરાષ્ટ્રથી અયોધ્યા ગયા હતા. અયોધ્યામાં જે રામ શિલાઓ ગુજરાતમાંથી મોકલવામાં આવી છે, તેમાંથી દક્ષિણ ગુજરાતમાંથી જ દોઢ લાખ જેટલી રામ શિલાઓ મોકલવામાં આવી હતી.

ભાજપના નેતા એલ.કે. અડવાણી 80ના દાયકામાં જ્યારે રામ મંદિર નિર્માણ માટે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો ત્યારે રથયાત્રા ગુજરાતના 600 ગામમાંથી પસાર થઈ હતી. તો બીજી તરફ જેતપુરમાં સભા યોજાઇ હતી ત્યારે કાર્યકર્તાઓએ લોહીથી છલોછલ ભરેલી બરણીઓ આપી હતી. તો બીજી તરફ મુસ્લિમ લોકોએ પણ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને એક-એક બે-બે રૂપિયા લઇને ભંડોળ એકત્ર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી હતી અને ત્યારબાદ 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે.