Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

આજે ક્રિકેટનો સૌથી મોટો ફેસ્ટિવલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ થઇ જશે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમી રહી, પરંતુ 7 ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે જેમના પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે અને તેમના પ્રદર્શનની નોંધ લેશે. આ એ જ ગુજરાતીઓ છે જેઓ ઇન્ડિયન ટીમ માટે રમે છે અને 7માંથી 3 – એટલે કે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા તો સીનિયર ટીમની લાઈફલાઈન છે. અન્ય 4 ખેલાડીઓ કૃણાલ પંડ્યા, જયદેવ ઉનડકટ, અક્ષર પટેલ અને પાર્થિવ પટેલ છે. દરેક ખેલાડી પર એક નજર.

જયદેવ ઉનડકટ: 2017ની IPL જયદેવ ઉનડકટ માટે સર્વશ્રેષ્ઠ રહી હતી. તેણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે રમતા 12 મેચમાં 24 વિકેટ લીધી હતી. તે સીઝન પછી રાજસ્થાન રોયલ્સે તેને 2018માં 11.5 કરોડમાં ખરીદ્યો હતો. જોકે પછીની બંને સીઝનમાં તેનો દેખાવ પ્રભાવશાળી રહ્યો નહોતો. તેણે 2018માં 15 મેચમાં 10 અને 2019માં 11 મેચમાં માત્ર 10 વિકેટ ઝડપી હતી. તેથી ડિસેમ્બર 2019માં રાજસ્થાને તેને રિટેન ન કરતા ઓક્શન માટે રિલીઝ કર્યો હતો. ત્યારબાદ ફરી તેને 3 કરોડમાં ખરીદ્યો હતો. ઉનડકટ અત્યારે કરિયરના પર્પલ પેચમાં છે. કોરોનાને કારણે ક્રિકેટ અટકે તે પહેલા તેનો રણજી 2019-20ની સીઝનમાં રેકોર્ડ બ્રેકીંગ 65 વિકેટ લઈને સૌરાષ્ટ્રને એકલા હાથે રણજી ટ્રોફી જીતાડી હતી. UAEની ધીમી વિકેટ પર ઉનડકટ ફાવી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

હાર્દિક પંડ્યા: હાર્દિકને બીજા યુવા ક્રિકેટર્સથી અલગ કરતી કોઈ વાત હોય તો તે તેનું સેલ્ફ બિલીફ છે. પંડ્યા ક્યારેય પ્રેશરને પોતાના ઉપર હાવી થવા દેતો નથી. પોતાની ડેબ્યુ IPL મેચમાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને હાર્દિકે તે સાબિત કર્યું હતું. ભારતીય ટીમના આધારસ્તંભ ઓલરાઉન્ડર હાર્દિકને વારંવાર પીઠની ઇજા હેરાન કરતી આવી છે. જોકે, આ લાંબા બ્રેક પછી હાર્દિક એકદમ ફિટ છે અને આ સીઝનમાં હિટ થવા ઉત્સુક છે. આ વખતે હાર્દિક મુંબઈ માટે મોટી ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. IPLમાં તેના ફોર્મ સાથે તેની ફિટનેસ ઉપર પણ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે. તેણે માર્ચમાં ડી.વાય. પાટીલ T-20 ટૂર્નામેન્ટમાં 55 બોલમાં 158 રન કરીને ફોર્મનો પરચો આપી દીધો હતો. જોકે, કોરોનાને કારણે તેને ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરત ફરવા વધુ રાહ જોવી પડી હતી.

રવિન્દ્ર જાડેજા: જાડેજાએ IPLમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાથી લઈને વર્લ્ડનો નંબર 1 બોલર બનવા સુધીનો રસ્તો કાપ્યો છે. જોકે, ગઈ સીઝનમાં જાડેજાનું પ્રદર્શન માભા પ્રમાણે રહ્યું નહોતું. તેણે 16 મેચમાં માત્ર 106 રન કર્યા હતા અને 15 વિકેટ લીધી હતી. જયારે 2018માં પણ તેણે માત્ર 89 રન કર્યા હતા અને 11 વિકેટ લીધી હતી. આમ બાપુએ બેક-ટૂ-બેક બે સીઝનમાં ફેન્સને નિરાશ કર્યા છે. સુરેશ રૈના અને હરભજન સિંહની ગેરહાજરીમાં જાડેજા પાસેથી ટીમને બેટ અને બોલ બંને દ્વારા નોંધપાત્ર દેખાવની અપેક્ષા રહેશે. આ વખતે ધોની ચોથા ક્રમે વધુ બેટિંગ કરવાનો હોવાથી જડ્ડુ ટીમને ફિનિશિંગ ટચ પણ આપશે. UAEની ધીમી પીચ પર તેના લેફ્ટ આર્મ સ્પિનર ઘાતક પુરવાર થાય તેની સંભાવના વધારે છે.

કૃણાલ પંડ્યા: કૃણાલ ટીમ ઇન્ડિયાનો કાયમી સભ્ય બનવાથી હવે લાઈમલાઈટથી થોડો દૂર થવાની લાઈનમાં છે. તે લોકડાઉન પહેલા ક્રિકેટ એક્ટિવ હતું ત્યારે સતત ઇન્ડિયા-Aનો ભાગ હતો. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં તેની કોઈ દાવેદારી નહોતી અને IPLમાં સાધારણ દેખાવે તેનો કેસ આગળ વધવા દીધો નહોતો. તેણે ગયા વર્ષે મુંબઈ માટે 16 મેચમાં 183 રન કર્યા હતા અને 12 વિકેટ ઝડપી હતી. તેની બેટિંગ એવરેજ માત્ર 16.63ની હતી, જયારે બોલ વડે 7.28ની ઈકોનોમીથી રન આપ્યા હતા. આમ 8.8 કરોડમાં વેચાયેલા કૃણાલ માટે સ્પિનને ફેવર કરતી પરિસ્થિતિમાં પરફોર્મ કરવું જરૂરી છે. આખરે, જસપ્રીત બુમરાહ કરતા વધુ પૈસા મળતા હોય તો પ્રદર્શન પણ એવું હોવું જ જોઈએ, નઈ?

અક્ષર પટેલ: અક્ષરે 2013માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યુ કર્યું હતું. તે પછી 2014માં કિંગ્સ ઇલેવન પંજાબે તેને ખરીદ્યો હતો. તે સીઝનમાં સારા દેખાવના લીધે જૂન 2014માં જ તેણે ભારત માટે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. અક્ષર તે પછી ઇજાના લીધે ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. 2018માં તેનો દેખાવ સાધારણ રહ્યો હતો. તેણે 9 મેચમાં 13.33ની એવરેજથી 80 રન કર્યા હતા. બોલ સાથે પણ તે 3 વિકેટ જ ઝડપી શક્યો હતો. જયારે 2019માં તેણે 110 રન કર્યા હતા અને 10 વિકેટ લીધી હતી. તેનો પ્લસ પોઇન્ટ તેની કંજૂસ બોલિંગ છે. તેણે ગયા વર્ષે માત્ર 7.13ની ઈકોનોમીથી રન આપ્યા હતા અને આ સીઝનમાં UAEની ધીમી વિકેટ પર આ આંકડા વધુ મજબૂત થઇ શકે છે. પટેલ, આર. અશ્વિન અને અમિત મિશ્રાની કંપનીમાં ધમાલ મચાવી શકે છે અને દિલ્હી માટે ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે.

પાર્થિવ પટેલ: પટેલે 17 વર્ષની વયે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી પટેલને ભારતીય ટીમમાં ઘણીવાર તક મળી ચૂકી છે. પાર્થિવ IPLમાં પહેલી 3 સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. ત્યાર પછી તે કોચી ટસ્કર્સ, ડેકેન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી ચૂક્યો છે. 2015માં મુંબઈ ઇન્ડિયન્સને ટ્રેડ કર્યા પછી બેંગ્લોરે પાર્થિવને ફરી એક વાર 2018ના ઓક્શનમાં ખરીદ્યો હતો. 35 વર્ષીય પાર્થિવ આગળ હજી 2-3 વર્ષનું ક્રિકેટ પડ્યું છે. આ વખતે બેંગ્લોરની ટીમમાં પાર્થિવ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો જોશ ફિલિપ છે, જે વિકેટકીપિંગ કરે છે. તેમજ દક્ષિણ આફ્રિકાના લીજેન્ડ એબી ડિવિલિયર્સે આ વખતે વિકેટ કીપિંગ કરવાની હા પાડી છે. તેવામાં જો પટેલ શરૂઆતની 3-4 મેચમાં સારું પ્રદર્શન ન કરે તો ટીમ તેને બહાર બેસાડી શકે છે. કેટલાક પંડિતોનું તો માનવું છે કે તેને સ્ટાર્ટિંગ પ્લેઈંગ 11માં પણ જગ્યા નહીં મળે. પણ પટેલના કરિયરની ખાસ વાત જ એ રહી છે કે તેને મેદાનની અંદર મેદાન બહાર કરતા વધુ માન મળ્યું છે. 2017માં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું ત્યારે પાર્થિવ 395 રન સાથે ટીમનો ટોપ સ્કોરર હતો. પરંતુ એ વાત કેટલાને યાદ છે?

જસપ્રીત બુમરાહ: IPLમાં અન્ય ટીમોનું એનાલિસિસ કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એ જ કરવામાં આવતો હોય છે? શું એમની પાસે ડેથ ઓવર્સ માટે જસપ્રીત બુમરાહ જેવો બોલર છે? નથી? કેવી રીતે હોઈ શકે? બુમ બુમ બુમરાહ એક જ તો છે! બુમરાહ પાસેથી મુંબઈના કપ્તાન રોહિત શર્માને અપેક્ષા નહીં હોય, રોહિતને ખાતરી હશે કે, બુમરાહ છે… બધું બરાબર જ થઇ જશે. તેણે ગઈ સીઝનની 16 મેચમાં 19 વિકેટ લીધી હતી. તેમજ ઇનિંગ્સની અંતિમ ઓવર્સ નાખતો હોવા છતાં માત્ર 6.63ની ઈકોનોમીથી રન આપ્યા હતા. દર 19 બોલે વિકેટ લીધી હતી. લસિથ મલિંગાની ગેરહાજરીમાં બુમરાહ ટ્રેન્ટ બોલ્ટ અને નેથન કુલ્ટર નેઇલ સાથે ગ્રુપમાં એટેક કરશે અને બોલિંગ યુનિટનો લીડર રહેશે. તેનું પ્રદર્શન શ્રેષ્ઠની નવી પરિભાષા ન આપે તો જ નવાઈ, બાકી બુમરાહ- નામ હી કાફી હૈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments