જામનગર: 1400 કરોડ ઉપરાંતનું ટર્નઓવર ધરાવતા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પગલે છેલ્લા દસેક દિવસથી રજા હતી. ત્યારબાદ હવે ફરી હરાજીનો પ્રારંભ થયો છે. જેને લઈને આજે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લગાવી હતી. પોતાની જણસી વેચવા માટે ખેડૂતો જામનગર યાર્ડમાં દોડી આવ્યા હતા. પરિણામે જામનગર યાર્ડમાં ફરી ધમધમાટ શરૂ થયો હતો. આજે 1278 જેટલા ખેડૂતો જણસી વેચવા માટે આવતા 57,602 મણ ખેત પેદાશની આવક થઈ હતી.
હાપા યાર્ડમાં સૌથી વધુ ઘઉંની આવક નોંધાઈ હતી. 74 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા 13,460 મણ જેટલા ઘઉં ઠલવાયા હતા અને ઘઉંના ભાવ 435 રૂપિયાથી લઈને 551 રૂપિયા જેવો રહ્યો હતો. ચણાની પણ 14450 મણ જેટલી આવક નોંધાઈ હતી અને ચણાના ભાવ 1,000 રૂપિયાથી માંડી 1090 રૂપિયા અને સફેદ ચણાના ભાવ 1600 રૂપિયાથી માંડી 2055 રૂપિયા જેવા રહ્યા હતા. મગફળીના ભાવ 950 રૂપિયાથી 1195 રૂપિયા અને એરંડાના ભાવ 1050 રૂપિયાથી 1120 રૂપિયા રહ્યા હતા.