પંજાબના મોહાલીમાં રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટથી સજ્જડ હાર આપી હતી. આ હાર બાદ ભારતીય ટીમ ખુબ નિરાશ થઇ હતી, તો સામે તાબડતોડ બેટિંગ કરીને ટીમને જીત અપાવનારો કાંગારુ બેટ્સમેન કેમરુન ગ્રીન ખુશ થઇ ગયો હતો. કેમરુન ગ્રીનની ખુશી જીત માટે નહીં પરંતુ પોતાની બેટિંગને લઇને હતી. મેચ બાદ કેમરુન ગ્રીને એક મોટો ખુલાસો કરતાં કહ્યું કે, તેને હાર્દિક પંડ્યાના કારણે ઓપનિંગમાં આવીને બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો.
કેમરુન ગ્રીનને ટી20 ક્રિકેટમાં પહેલીવાર ઓપનિંગ કરવાનો મોકો મળ્યો હતો, તેને ભારતીય ટીમની કમર તોડી નાંખી હતી, કેમરુન ગ્રીને 61 રનની ધમાકેદાર ઇનિંગ રમીને મેચ જીતવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કેમરુન ગ્રીન કહ્યું કે, મને મેચમાં બેટિંગ કરવાનો આઇડિયા હાર્દિક પંડ્યાના કારણે મળ્યો હતો, મોહાલીની પીચ પર કોઇપણ પ્રકારે બેટિંગ કરી શકાતી હતી. પ્લેયર ઓફ ધ મેચ બનેલા ગ્રીને કહ્યું- અમે ભારતીય બેટ્સમેનોની બેટિંગ જોવાનો મોકો મળ્યો અને બાદમાં હાર્દિક પંડ્યા તો બેસ્ટ છે, તેનો જોઇને મને દરેક વાત સમજાઇ ગઇ અને હું ઓપનિંગમાં આવીને આવી બેટિંગ કરી શક્યો.
કેમરુન ગ્રીને કહ્યું કે, હાર્દિક પંડ્યા પાસેથી એ વાતનો આઇડિયા મળ્યો હતો કે, મોહાલીની પીચ પર આટલા મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે અમારે કઇ રીતે બેટિંગ કરવાની છે. મને એ ખબર ન હતી કે ઓપનિંગમાં શું કરવુ, પણ કૉચ અને કેપ્ટને મારા પર વિશ્વાસ રાખ્યો અને મને બેટિંગ કરવાનો મોકો આપ્યો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટી20 મેચમાં 71 રનની ધમાકેદાર ઇનિંગમા રમી હતી. જેની મદદથી ભારતીય ટીમ 208 રનના વિશાળ લક્ષ્ય રાખી શકી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં જ 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી.