કોંગ્રેસના પ્રદેશ-પ્રમુખ અને વિપક્ષના નેતાનાં રાજીનામાં, નવા પ્રમુખની રેસમાં હાર્દિક પટેલનું નામ મોખરે

0
0

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં ધરી દીધાં હતાં, જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડી શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે, જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ મોખરે છે, કેમ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ખેલીને ભાજપને પરાસ્ત કરવાની વ્યૂહરચના ગોઠવી શકે છે.

પ્રદેશ-પ્રમુખ તરીકે હાર્દિક પટેલ સહિત અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરનાં નામ ચર્ચામાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાએ હોદ્દા પરથી રાજીનામાં ધરી દેતાં ફરી રાજકારણ ગરમાયું છે. પ્રભારી રાજીવ સાતવ બંને નેતાનાં રાજીનામાંના પત્ર લઇને દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામાં આપી દીધાં હતાં. કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે. વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ ચર્ચામાં છે, જયારે પ્રદેશ-પ્રમુખની કમાન સંભાળી શકે એ માટે અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર તથા હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનાં નામ ટોપ પર છે.

હાર્દિક પટેલને કાયમી પ્રમુખ બનાવી કોંગ્રેસ ભાજપ સામે ટક્કર લઈ શકે છે
અગાઉ 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેનું કારણ પાટીદાર અનામત આંદોલન અને તેના નેતા હાર્દિક પટેલ હતા. હાર્દિક પટેલને કારણે ભાજપને ગામડાંમાં મત મળી શક્યા નહોતા, જેની સામે કોંગ્રેસને વધુ મતો અને બેઠકો મળ્યાં હતાં. હવે જ્યારે ફેબૃઆરીમાં ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, સાથે સાથે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પણ શોધ ચાલી રહી છે. એ સંજોગોમાં નવા પ્રમુખ તરીકે હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને કાયમી પ્રમુખ બનાવી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર લઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પ્રભારીપદ છોડી શકે છે
ગુજરાતમાં કોંગ્રેસની કપરી સ્થિતિ છે. ત્યારે રાજ્યના પ્રભારી રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન જ કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતા. હવે જયારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામાં ધર્યાં છે ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામું ધરી દે એવી શક્યતા જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here