Home રાજકોટ રાજકોટ : ઓછું વાઢકાપ કરી હરિચરણદાસજી બાપુને ફ્રેક્ચર થતા થાપાના સાંધાનો ગોળો...

રાજકોટ : ઓછું વાઢકાપ કરી હરિચરણદાસજી બાપુને ફ્રેક્ચર થતા થાપાના સાંધાનો ગોળો બદલ્યો

0
20
  • હાલમાં હૃદયનું પમ્પિંગ પણ 23થી 25 ટકા જેટલું જ હતું
  • વારંવાર કફ તથા ઈન્ફેક્શનને કારણે ફેફસાં નબળા થઈ ગયા હતા
  • લોહીમાં હીમોગ્લોબિન અને ત્રાકકણો ઘટી જતા સમયાંતરે લોહી પણ ચઢાવું પડતું હતું

રાજકોટ: સર્જરી કરનાર ટીમના સભ્ય ડો. ચિરાગ માત્રાવડિયાએ જણાવ્યુ હતુ કે, હરિચરણદાસજી મહારાજને ડાબી બાજુના થાપામાં ફ્રેક્ચર થતા અયોધ્યાથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ લાવી વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ફ્રેક્ચરને કારણે ઓપરેશન કરવું પડે તેમ હતું. તેમની ઉંમર 98 વર્ષની આસપાસ છે. આજથી 15 વર્ષ પહેલા હૃદયરોગનો હુમલો આવતા એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી તેમજ હાલમાં હૃદયનું પમ્પિંગ પણ 23થી 25 ટકા જેટલું જ હતું. વારંવાર કફ તથા ઈન્ફેક્શનને કારણે ફેફસાં નબળા થઈ ગયા હતા. થોડા વર્ષો પહેલા પેરેલિસિસ એટેક તેમજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને શરીરનો ડાબી બાજુનો હિસ્સો નબળો હતો. આ ઉપરાંત લોહીમાં હીમોગ્લોબિન અને ત્રાકકણો ઘટી જતા સમયાંતરે લોહી પણ ચઢાવું પડતું હતું.

આ બધા મેડિકલ કોમ્પ્લિકેશન તેમજ ઉંમરને ધ્યાને લઈને સર્જરી કરવાની હતી. હાડકાંની પરિસ્થિતિને ધ્યાને લઈ ડો. શ્યામ ગોહેલ, ડો. અવિનાશ મારૂ, ડો. ધરમ ચાંદ્રાણીએ થાપાના હાડકાંનો ગોળો બદલવા નિર્ણય લીધો. આ ઓપરેશનમાં હિપ રિપ્લેસમેન્ટને બદલે બાયપોલ પ્રોસ્થેસીસ મૂકી માત્ર ગોળાને બદલાવાય છે જેથી શરીરની અંદર વાઢકાપ ઓછું કરવું પડે અને ઈન્ફેક્શનની શક્યતા પણ ઓછી છે તેમજ સૌથી મોટો ફાયદો એ છે કે, દર્દીને બીજા જ દિવસથી કસરત કરાવી શકાય છે.

આ હાઈરિસ્ક ઓપરેશન કરવા માટે પદ્ધતિસરનું અને ઝીણવટભર્યું પ્લાનિંગ કરવું પડે તેમ હતું કારણ કે, એક નાની ભૂલ નબળું હૃદય, નબળા ફેફસાં, બ્રેઈન સ્ટ્રોક, બ્લડપ્રેશર ઘટવાથી હૃદયનું બેસી જવું, કિડની ફેલ થવી, ફરી બ્રેઈન સ્ટ્રોક તેમજ વેન્ટિલેટર પર જ કાયમી રાખવા પડે તેવા કોઇપણ કોમ્પ્લિકેશન તરફ લઇ જઈ શકે. ઓપરેશનના પ્લાનિંગમાં મારા(ડો. ચિરાગ માત્રાવડિયા) સહિત ડો. જયદીપ દેસાઈ, ડો. ભાવિન ગોર, ડો. વિદ્યુત મારૂ સહિતે મિટિંગ કરી માઈક્રોપ્લાનિંગ કર્યું. એનેસ્થેસિયા માટે ડો. રાદડિયા અને ડો. સાકરિયાએ ટીમ બનાવી અને પછી ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લીધો.

ઓપરેશન પહેલા મહારાજને બ્લડ આપ્યું. સેન્ટ્રલ લાઈન, આર્ટિરિયલ લાઈન વગેરે મૂકી તૈયાર કર્યા જેથી ઓપરેશન દરમિયાન ઝીણામાં ઝીણી વિગતોનું બારિક નિરીક્ષણ અને મોનિટરિંગ કરી શકાય. એનેસ્થેસિયા સ્પાઈનલ એપિડેરલ તે પ્રકારનો આપ્યો જેથી કરી વેન્ટિલેટર પર જવાનું જોખમ ટાળી શકાય. આઈવી ફ્લુઈડ(બાટલા) તથા હૃદયને સપોર્ટ કરવા માટે સ્પેશિયલ ઈન્જેક્શન જેવા કે ડોબ્યુટામિન, નાઈટ્રોગ્લિસરિન વગેરે ઓપરેશનના થોડા કલાકો પહેલા શરૂ કરી દીધા હતા.

ઓપરેશન દરમિયાન ત્રણેય સર્જનોએ ખૂબ જ કો-ઓર્ડિનેશન રાખી ત્વરિતતા બતાવી માત્ર એક જ કલાકમાં બાયપોલર પ્રોસ્થેસિસ મૂકી સફળતાપૂર્વક પાર પાડ્યું. આ ઓપરેશનમાં ઓર્થોપેડિક સર્જનો, ઈન્ટેન્સિવિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ સહિતના નિષ્ણાત તબીબોએ ટીમવર્ક સાથે સારામાં સારી સારવાર કરવાનો પ્રયાસ કર્યો છે. મહારાજને હજુ બેથી ત્રણ દિવસ આઈસીયુમાં રાખવામાં આવશે જેથી ઓપરેશન બાદના કોમ્પ્લિકેશન અટકાવી શકાય.

Live Scores Powered by Cn24news