હાર્લી ડેવિડસને ભારતમાં તેનો અસેમ્બલી પ્લાન્ટ બંધ કર્યો, હવે હીરો સાથે પાર્ટનરશિપમાં 300-600ccની બાઇક લાવશે

0
0

અમેરિકન ક્રુઝર બાઇક કંપની હાર્લી ડેવિડસનના ઇન્ડિયન ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. કંપનીએ ભારતમાં તેનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ બંધ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા એક મહિનાથી માર્કેટમાં આ સમાચાર ચર્ચાઈ રહ્યા હતા અને હવે કંપનીએ આ વાત કન્ફર્મ કરી દીધી છે. કંપનીએ આ નિર્ણય ‘The Rewire’ નામના રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ હેઠળ લીધો છે. હાર્લી ડેવિડસનનો અસેમ્બલી પ્લાન્ટ હરિયાણાના બાવળમાં હતો.

કોવિડને કારણે ઇન્ડિયન માર્કેટમાં આ બાઇકનું વેચાણ ઘણું ઓછું થઈ ગયું હતું. ત્યારબાદ ઓગસ્ટમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને કંપનીએ પ્લાન્ટ બંધ કરવાનો સંકેત આપ્યો હતો. કંપની અમેરિકન માર્કેટમાં ફોકલ કરવાનું પ્લાન કરી રહી છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કંપનીના આ નિર્ણયથી લગભગ 70 કર્મચારીઓની નોકરીઓને પણ જોખમ છે. કંપની ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા પેસિફિકના કેટલાક ભાગોમાં પણ અસેમ્બલી પ્લાટ બંધ કરશે જ્યાં વાહનનું વેચાણ ઘટ્યું છે.

હીરો મોટોકોર્પ સાથે વાતચીત ચાલી રહી છે
હાર્લી ડેવિડસન હવે ઇન્ડિયન માર્કેટમાં હીરો મોટોકોર્પ સાથે ભાગીદારી કરી શકે છે. આ કેસ સાથે જોડાયેલા બે સ્રોતો અનુસાર, હીરો ભારતમાં હાર્લી બાઇક માટે મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર હશે. આ ભાગીદારી માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. એક સૂત્રએ જણાવ્યું કે, 300થી 600cc એન્જિન કેપેસિટીથી ઓછી એક હાર્લી બાઇક માટે હીરો સાથે ભાગીદારી પર ચર્ચા ચાલી રહી છે, જેને થોડા સમય પછી લોન્ચ કરવામાં આવશે.

10 વર્ષમાં ફક્ત 27,000 યૂનિટ્સ જ વેચાયાં
​​​​​​​કોવિડ-19 રોગચાળાને કારણે હાર્લી ડેવિડસન બાઇક્સની માંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ ભારતમાં 2,500 યૂનિટ્સ પણ નથી વેચ્યાં. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ કંપનીનું ખરાબ પ્રદર્શન છે. તેમજ, છેલ્લાં 10 વર્ષમાં કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં માત્ર 25,000 યૂનિટ જ વેચ્યાં છે. એટલે કે, છેલ્લાં 10 વર્ષમાં કંપનીએ દર વર્ષે સરેરાશ 2500 યૂનિટનું વેચાણ કર્યું છે.

ભારતમાં શો રૂમ અને સેલ્સ ચાલુ રહેશે
કંપની સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, કંપની ફક્ત તેનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ બંધ કરી રહી છે. બાઇકનું માર્કેટિંગ અને વેચાણ ચાલુ રહેશે. આ બાઇક હવે ભારતમાં થાઇલેન્ડથી આયાત કરવામાં આવશે. તેથી, બાઇકની કિંમત 40 થી 50 હજાર રૂપિયા સુધી વધી શકે છે. કંપનીમાં દેશભરમાં 20 હજારથી વધુ કર્મચારીઓ છે. વેચાણ વધારવા માટે કંપની બાઇક પર 70 હજાર રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

આ કંપનીઓ પણ પ્લાન્ટ બંધ કરી ચૂકી છે
એવું નથી કે કોઈ બહારની કંપની વેચાણને કારણે પહેલીવાર તેના ભારતીય પ્લાન્ટને બંધ કરી રહી છે. હાર્લી ડેવિડસન પહેલા બીજી ઓટોમોબાઇલ કંપનીઓ પણ ભારતમાં તેમના પ્લાન્ટ બંધ કરી ચૂકી છે. આમાં જનરલ મોટર્સ, ફિયાટ, સાંગયોંગ મોટર, સ્કાનિયા એબી, MAN અને UM બાઇક્સ સામેલ છે.

હાર્લી ડેવિડસનની રેવન્યૂ
​​​​​​​હાર્લી ડેવિડસને આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરીથી જૂન સુધીમાં વૈશ્વિક સ્તરે 2.16 અબજ ડોલર (આશરે 15.90 હજાર કરોડ)ની આવક કરી છે, જેમાંથી 394 મિલિયન ડોલર (લગભગ 2.9 હજાર કરોડ રૂપિયા) ફાઇનાન્શિયલ સર્વિસમાંથી આવ્યા છે. તેમજ, 2020ના પહેલા ક્વાર્ટરમાં બાઇક્સના વેચાણથી થતી આવક આશરે 1.3 અબજ (લગભગ 9.56 હજાર કરોડ) હતી.

ભારત વિશ્વનું સૌથી મોટું બાઇકનું માર્કેટ
ભારત વિશ્વનું સૌથી મોટું બાઇકનું માર્કેટ પણ છે. વર્ષ 2017માં તે ચીનને પાછળ છોડી આ પદ પર પહોંચ્યું હતું. વર્ષ 2016માં, ભારતમાં કુલ 17.7 મિલિયન (લગભગ 1.77 કરોડ) ટૂ-વ્હીલર્સ વેચાયાં હતાં. આનો અર્થ એ કે દેશમાં દરરોજ 48,000થી વધુ યૂનિટ વેચાયાં હતાં. આ સમયગાળા દરમિયાન, ચીનમાં 16.8 મિલિયન (લગભગ 1.68 કરોડ) ટૂ-વ્હીલર્સ વેચાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here