હટકે એપ : ભવિષ્ય બતાવતી એપ્લિકેશન ‘ફેસએપ’, યુઝરને તેની વૃદ્ધાવસ્થાનો ચહેરો દેખાડે છે

0
250

ગેજેટ ડેસ્ક: દરેક વ્યક્તિને એક સવાલ મનમાં ઊઠતો જ હોય છે કે, તે વૃદ્ધ થશે ત્યારે કેવો લાગશે! સોશિયલ મીડિયા પર હાલ યુઝર્સ પોતે ઘરડા થશે, ત્યારે કેવા લાગશે તેના ફોટા શેર કરી રહ્યા છે. આ ફોટા પાછળ ફેસએપનો કમાલ છે. ‘ ફેસએપ’ નામની એપ યુઝર્સ 50થી 60 વર્ષ પછી કેવો લાગશે તેની ઝલક બતાવે છે. હાલ આ એપ પાછળ સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી સૌ કોઈ ગાંડાઘેલા થઈ ગયા છે. ઇમેજ એડિટિંગ માટે ફેસએપ એપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.

રશિયન કંપનીએ ફેસએપ બનાવી હતી
14 ફેબ્રુઆરી, 2017ના રોજ લોન્ચ થયેલી એપની ડાઉનલોડ સંખ્યા 10 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. આ એપનો જન્મ રશિયન કંપની ‘વાયરલેસ લેબ’એ કર્યો હતો. ફેસએપ મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને ડિવાઇસમાં કામ કરે છે. આ એપ માત્ર ઘડપણના ફોટો જ નહીં પણ યુઝર્સને બીજા વિકલ્પ પણ આપે છે. જેમાં તમારી ઉંમર કરતાં નાના કે મોટા અને જેન્ડર પણ ચેન્જ થઇ શકે તેવું ફિલ્ટર આપે છે.

ફિલ્ટરને લઈને વિવાદ
થોડા સમય પહેલાં એપ દ્વારા એક નવું ફિલ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં યુઝર્સના ફેસનું ટ્રાંસફોર્મેશન વાઇટ, બ્લેક, એશિયન અને ઇન્ડિયનમાં થતું હતું. આ ફિલ્ટરને લઈને વિરોધ થતા તાત્કાલિક ધોરણે તેને એપમાંથી કાઢી દેવામાં આવ્યું હતું.

પ્રાઇવસીનું શું?
ફેસએપ લાઇમલાઇટમાં આવી જતા તેની પ્રાઇવસીને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે. સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સ આ એપ ન વાપરવાની સલાહ આપી રહ્યા છે. ફેસએપ તમારા ફોનમાં સ્ટોરેજ અને કેમેરા એક્સેસ માગે છે, આ ઉપરાંત તેની નજર ગૂગલ પે બિલિંગ સર્વિસ અને ઇન્ટરનેટ ડેટા પર પણ નજર રાખે છે.

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને વરુણ ધવને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ સિવાય જોનસ બ્રધર્સે પણ આ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ ઘડપણમાં કેવા લાગશે તેનો ફોટો શેર કર્યો છે.