આણંદ: આણંદ જિલ્લામાં સૌથી વધુ અને ગુણવત્તા યુક્ત દૂધ ભરવામાં સંદેશર ડેરી વર્ષોથી પ્રથમ સ્થાને રહી છે. પરંતુ નવા વ્યવસ્થાપક કમિટીના સભ્યોના કારણે દૂધની ગુણવત્તા પર સવાલ ઉઠવા પામ્યા છે. જેના કારણે ડેરીએ 400 જેટલા સભાસદોનું દૂધ લેવાનો ઇન્કાર કરતાં પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ડેરીમાં પોતાનું એક હજાર લીટર દૂધ ઢોળીને આક્રોશ વ્યકત કર્યો હતો.
સંદેશર દૂધ મંડળીનું છેલ્લા કેટલાંક સમયથી અમૂલ ડેરીમાં ભરવામાં આવતું દૂધ ગુણવત્તા યુકત ન હોવાનું તેમજ ભેળસેળવાળું હોવાનું અમૂલ ડેરીના સંચાલકોના ધ્યાને આવ્યું હતું. જેથી અમૂલ ડેરી દ્વારા સંદેશર દૂધ મંડળીને નોટીસ પાઠવી હતી. જે બાબતે વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ યોગ્ય નિકાલ લાવવાની જગ્યાએ સભાસદોનું દૂધ લેવાનું બંધ કરી દીધું છે. તેને કારણે સભાસદો આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. નાના પશુપાલકો તો દૂધના વેચાણમાંથી જીવન ગુજરાન ચલાવે છે. તેમનું દૂધ પડી રહેતા તેઓ તો આર્થિક મુશકેલીમાં મુકાઇ ગયા છે.
સંદેશર ડેરીમાં દૂધની ગુણવત્તા ચકાસવા માટે એસએનએફ મશીન મુકવામાં આવ્યું છે. પરંતુ તેમાં ખામી હોવાથી લોકો દૂધનો ફેટ જળવતો નથી. પાણીનું પ્રમાણ વધુ બતાવે છે. તેના કારણે સભાસદો મુશ્કેલીમાં મુકાયા છે. બે ટન્કથી 400થી વધુ સભાસદોનું દૂધ લેવામાં આવ્યું નથી. તેમજ મશીનમાં દૂધની ચકસાણી માટે એક સભાસદે 5 થી8 મિનિટ લાગે છે. જેથી તમામ સભાસદોનું દૂધ ચકસાવવામાં ઘણો સમય જાય છે. જેના કારણે સભાસદોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મંડળીના પાપે સભાસદો મુશ્કેલીમાં મુકાય છે. જેને સભાસદો હોબાળો મચાવીને 1000 લીટર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો.
ઉંચા ફેટનું દૂધ વેચી દેવામાં આવતા આ પરિસ્થિતી સર્જાઇ
સંદેશર દૂધ મંડળીમાં 10 ફેટનું દૂધ આવે છે. તે ગ્રાહકોને વેચી દેવામાં આવે છે. જયારે 3થી 6 ફેટનું દૂધ મંડળી ટાંકીમાં રેડવામાં આવે છે. જેના કારણે દૂધની ગુણવત્તા જળવાતી નથી. નવી વ્યવસ્થાપક કમિટીની નિમણુંક થઇ ત્યારથી આ પરિસ્થિતીનું નિર્માણ થયું છે. આ અંગે કોઇ પૂછે તો મશીન કામ કરતું નથી તેવો જવાબ આપે છે.- નટુભાઇ પટેલ સભાસદ સંદેશર
એસએનએફ મશીન શું છે?
એસ એન એફ મશીનથી દૂધમાં કેટલી ભેળસેળ છે તે જાણી શકાય છે. તેમાં પાણીનું પ્રમાણ કેટલું દૂધના તત્વો કેટલા વગેરેની તપાસ થાય છે. તેમાં 80 ઉપર એસએનએફ આવે તો સારૂ દૂધ ગણાય તેનાથી નીચે આવે તો તેમા પાણીની ભેળસેળનુ પ્રમાણ વધુ હોય છે તેના આધારે મંડળીઓમાં દૂધ લેવામાં આવે છે.