સુરત : ડોક્ટરનો ગાંધી પ્રેમ : બાપુ સાથે જોડાયેલી વસ્તુઓનો સંગ્રહ કરતાં ઘરને જ મ્યુઝિયમ બનાવી દીધું

0
0

તેમણે ગાંધીજી વિશે ખૂબ વાંચ્યું છે. ઊંઘમાંથી ઉઠાડીને પણ જો તમે બાપુ વિશે પૂછશો તો તેઓ આંખ ચોળ્યા વિના સાચો જવાબ આપશે. તેમણે ગાંધીજી સાથે સંકળાયેલી વસ્તુઓનો સંગ્રહ કર્યો છે. શોખથી શરૂ કરેલો સંગ્રહ હવે તેમના માટે પેશન થઈ ગયો છે. તેમનું નામ ડો. ધીરેન મહીડા છે અને તેમણે તેમનાં ઘરને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી નાખ્યું છે.

દેશ-વિદેશમાં ગાંધીજીના માનમાં બહાર પડાયેલા સિક્કા પણ ડોક્ટરે સાચવી રાખ્યા છે.
(દેશ-વિદેશમાં ગાંધીજીના માનમાં બહાર પડાયેલા સિક્કા પણ ડોક્ટરે સાચવી રાખ્યા છે.)

 

બિરલા હાઉસના ઓક્શનમાંથી અને વિદેશ જઈને ભેગી કરી વસ્તુઓ

ગાંધીજી વિશે જે અખબારોમાં સમાચાર છપાયા છે, એની ઓરિજિનલ કોપી તેમણે મિત્રો પાસે વિદેશથી મગાવી તો કેટલીક કોપી લેવા માટે એ રૂબરૂ પણ ગયા. આ સિવાય દિલ્હીમાં બિરલા હાઉસ ખાતેથી તેમણે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી કેટલીક વસ્તુઓ ઓક્શનમાંથી પણ મેળવી છે. જોકે ડો. મહીડાના ગાંધી પ્રેમ વિશે જાણી કેટલાક લોકો તો ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ તેમને સામેથી પહોંચાડે છે.

ગાંધીજીના અવસાન સમય સહિતની અલભ્ય તસવીરોનો પણ સંગ્રહ કરાયો છે.
(ગાંધીજીના અવસાન સમય સહિતની અલભ્ય તસવીરોનો પણ સંગ્રહ કરાયો છે.)

 

ગાંધીજી વિશેનું વાંચન વસ્તુઓના સંગ્રહ તરફ લઈ ગયું

હું નાનપણથી જ ગાંધીજી વિશે વાંચતો હતો. તેમના વિચારો અને ઉપદેશો મને પ્રભાવિત કરતા. ગાંધીજીનાં પુસ્તકોથી મેં વાંચનની શરૂઆત કરી અને તેમના વિશેના વાંચનનો મારો આ શોખ મને ગાંધીજીના જીવન સાથે જોડાયેલી અતિદુર્લભ વસ્તુઓના સંગ્રહ સુધી લઇ ગયો. – ડો. ધીરેન મહીડા

ટાઈમ મેગેઝિન દ્વારા ત્રણ વખત કવર પર તસવીર છાપવામાં આવી હતી.
(ટાઈમ મેગેઝિન દ્વારા ત્રણ વખત કવર પર તસવીર છાપવામાં આવી હતી.)

 

ગાંધીજીનો અવાજ સાચવીને બેઠેલી 29 રેકર્ડ પણ છે

આજે ગાંધીજીનાં પ્રવચનો કે તેમણે કહેલી વાત સાંભળવી હોય તો ઓરિજિનલ અવાજમાં સરળતાથી ઓડિયો મળવી મુશ્કેલ છે, પણ ડો. મહીડા પાસે ગાંધીજીનો અવાજ સાચવીને બેઠેલી એચ.એમ.વી.ની દુર્લભ કહી શકાય એવી 29 રેકર્ડ્સ છે.

ગાંધીજી સાથે જોડાયેલી તમામ યાદો અકબંધ રાખી

ડો. ધીરેન મહીડાએ ગાંધીજીનો જન્મ થયો એ દિવસ એટલે કે 2જી ઓક્ટોબર, 1869ના દિવસની ટિકિટ અને એની સાથેનું કવર સાચવ્યાં છે. ટાઇમ્સ મેગેઝિને ગાંધીજીને ત્રણ વાર પર્સન ઓફ ધ યર જાહેર કર્યા હતા, એ 1930, 1931 અને 1947નાં ત્રણેય વર્ષોની મેગેઝિનની કોપી તેમની પાસે છે. 30મી જાન્યુઆરી, 1948ની સાંજે 5.15 કલાકે ગાંધીજીની હત્યા થઇ એ દિવસને વિશ્વભરનાં અખબારોએ આ સમાચાર પહેલા પાને પબ્લિશ કર્યા હતા. અમેરિકા અને યુ.કે.નાં અખબારોમાં ‘સ્ટોપ પ્રેસ’ ટાઇટલ સાથે આ સમાચાર પબ્લિશ થયા હતા. એવા ન્યૂયોર્ક જનરલ, લોસ એન્જલસ ટાઇમ્સ, સિનસિનાટી પોસ્ટ, સિટિઝન ન્યૂઝ, ફિલાડેલ્ફિયા ન્યૂઝ અખબારોની ઓરિજિનલ કોપી પણ છે. 1942માં બનેલી 1.50 આના, 3.50 આના, 12 આના અને 10 રૂપિયાની ટિકિટના કવર પણ છે. ગાંધીજીના 100મા જન્મદિવસે વિશ્વભરના દેશોએ તેમના નામની ટપાલ-ટિકિટ બહાર પાડી હતી, એ તમામ ટિકિટ અને 1948થી 2012 દરમિયાન ગાંધીજી પર વિશ્વના 70 દેશોએ બહાર પાડેલી અને એનાં કવર પણ તેમની પાસે અકબંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here