હેલ્થ ઈન્શ્યોરન્સ : ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા ફ્લોટર પ્લાન કવર પૂરતો નથી તો, અહીં જાણો તમારી પાસે હવે કયા ઓપ્શન છે

0
2

કોરોના થવા પર જો તમે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં તમારી સારવાર કરાવો છો તો તે તમારું ખિસ્સું ખાલી કરી શકે છે. તો બીજી તરફ લોકોને હવે કોરોનાની સારવારનો આટલો બધો ખર્ચ જોતાં પોતાનો ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા ફ્લોટર પ્લાન કવર પૂરતો નથી લાગી રહ્યો. જો તમે એક જ ગ્રુપ ઈન્શ્યોરન્સમાં તમામ લોકોને કવર કરો છો તો થઈ શકે છે કે કોઈ એક વ્યક્તિના બીમાર પડવા પર પહેલી વખતમાં એટલો ખર્ચ થઈ જાય કે તે જ પોલિસી યરમાં બીજો ક્લેમ કરવા પર ઈન્શ્યોરન્સની રકમ પર્યાપ્ત ન હોય.

આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એ સવાલ થાય છે કે આ સ્થિતિમાં માતા-પિતાને શું અલગથી વ્યક્તિગત હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર આપવું યોગ્ય રહેશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આવી સ્થિતિમાં તમે કયા પગલા લઈ શકો છો.

ઈન્શ્યોરન્સ પ્લાનને અપગ્રેડ કરાવવો યોગ્ય રહેશે

જો તમે તમારા પરિવાર માટે ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા ફ્લોટર પ્લાન લઈ રાખ્યો છે તો તમે તમારા માતા-પિતા માટે કવરની રકમ વધારી શકો છો. આવું કરવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે કેમ કે, તેમાં કોઈ વેઈટિંગ પિરિઅડ નહીં હોય. તેથી, કવરેજ તરત જ લાગુ થઈ જશે. તમે તમારી કંપની સાથે વાત કરી શકો છો અને પ્લાન અપગ્રેડ કરાવી શકો છો. તેમજ ફ્લોટર પ્લાનને તમે તમારી કંપની સાથે વાત કરીને અપડેટ કરાવી શકો છો જ્યાંથી તમે પ્લાન લઈ રાખ્યો છે.

‘સુપર ટોપ-અપ’ પણ એક સારો વિકલ્પ છે

પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, તમારા વીમાની રકમ પૂરતી ન હોય તો, આવી સ્થિતિમાં તમે તમારા કવરને ‘સુપર ટોપ-અપ’ સાથે પણ અપગ્રેડ કરી શકો છો. એક્સપર્ટના જણાવ્યાનુસાર, આવી સ્થિતિમાં ‘સુપર ટોપ-અપ’ કવર લેવું યોગ્ય રહેશે, તે તમને ઓછા ખર્ચે વધુ કવર આપશે. સુપર ટોપ અપ હેલ્થ પ્લાન એ લોકો માટે એક્સ્ટ્રા કવર હોય છે જેની પાસે પહેલેથી જ હેલ્થ પોલિસી છે. તે ઘણી ઓછી કિંમતે મળી જાય છે.

કોરોના માટે તમે અલગ પ્લાન પણ લઈ શકો છો

ICICI લોમ્બાર્ડમાં અન્ડરરાઈટિંગ, ક્લેમ એન્ડ રિ-ઈન્શ્યોરન્સના ચીફ સંજય દત્તાના અનુસાર, જો તમે કોરોના મહામારી માટે અલગથી પ્લાન લેવા માગો છો તો ‘કોરોના કવચ’ પ્લાન લઈ શકો છો. આ પ્લાનને કોરોનાકાળમાં લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં કોરોના સંક્રમિત થવા પર હોસ્પિટલમાં દાખલ થવું, તેના પહેલાં અને ત્યારબાદ, ઘરમાં સારસંભાળ દરમિયાન સારવારથી જોડાયેલા અન્ય ખર્ચા કવર થાય છે.

કોરોના કવચ પોલિસી માટે ઈન્શ્યોરન્સની મિનિમમ રકમ 50 હજાર રૂપિયા અને મેક્સિમમ રકમ 5 લાખ રૂપિયા (50 હજાર રૂપિયાના મલ્ટિપલમાં) છે. ઈન્શ્યોરન્સનો સમયગાળો ઓછામાં ઓછો 3.5 મહિના, 6.5 મહિના અને 9.5 મહિનાનો હોઈ શકે છે. તેના મૂળ કવરનું પ્રિમિયમ 500થી 5,500 રૂપિયા (GST વગર) રહેશે.

જો તમે તમારા માતા-પિતા માટે પહેલી વખત ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છો તો શું કરવું?

જો તમે તમારા માતા-પિતા માટે હજી સુધી કોઈ ઈન્શ્યોરન્સ કવર નથી લીધું અને જો તમારા માતા-પિતાને પહેલાથી જ કેટલીક બીમારીઓ છે તો તેમની જરૂરિયાત તમારા ગ્રુપ ઈન્શ્યોરન્સ પ્લાનથી અલગ હશે. તેવામાં તેમના માટે અલગથી પોલિસી લેવી યોગ્ય ગણાશે. તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન પહેલાંથી રહેલી બીમારીઓને કવર કરે છે, પરંતુ તેને 36 મહિના બાદ કવર કરવામાં આવે છે. જો કે પોલિસી ખરીદતા સમયે પહેલાંથી રહેલી બીમારીઓનો ઉલ્લેખ કરવો મહત્ત્વપૂર્ણ હોય છે. તેમાં ક્લેમ સેટલમેન્ટ સમયે મુશ્કેલી થતી નથી. આ સિવાય કવરની રકમ પણ તેમનાં સ્વાસ્થ્યની જરૂરિયાતો પ્રમાણે યોગ્ય હોવી જોઈએ.

સંજય દત્તાના જણાવ્યા પ્રમાણે, તે સિવાય એક ખાસ વાત ધ્યાન રાખવી કે મોટાભાગની કંપનીઓ 65 વર્ષની વધુની વયના લોકોને હેલ્થ કવર નથી આપતી. તેથી જો તમારા માતા-પિતાની ઉંમર 65 વર્ષ કરતાં ઓછી છે તો વહેલી તકે તેમના માટે ઈન્શ્યોરન્સ કવર લઈ લો. પરંતુ જો તમે 65 વર્ષની ઉંમર પહેલા તેમના માટે ઈન્શ્યોરન્સ લઈ લીધો છે તો આવનાર વર્ષોમાં પણ ચાલુ રાખી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here