Sunday, November 28, 2021
Homeઆરોગ્ય - મણિનગર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની સ્થિતિ ક્રિટિકલ, કોરોનાને લીધે ફેફસાંમાં ભારે...
Array

આરોગ્ય – મણિનગર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની સ્થિતિ ક્રિટિકલ, કોરોનાને લીધે ફેફસાંમાં ભારે ઈન્ફેક્શન

  • અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આચાર્ય મહારાજ વેન્ટિલેટર પર
  • પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના આરોગ્યમાં સુધારા માટે સંતો દ્વારા પ્રાર્થના-હરિભક્તો દ્વારા ધૂન

સીએન 24 ગુજરાત

અમદાવાદ. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કોરોના સંક્રમણને કારણે કથળ્યું છે. હાલ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી હાલ વેન્ટિલેટર પર છે અને તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન લાગવાને કારણે તેમની તબિયત નાજુક હોવાનું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું છે.

આચાર્ય મહારાજનું આરોગ્ય સુધરે તેના તમામ પ્રયત્નો ચાલુઃ ગાદી સંસ્થાન
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને છેલ્લા 10 દિવસથી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. તેમની તબિયતમાં ફેફસાંની તકલીફ વધવાને કારણે તેમને વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મુકવામાં આવેલા છે. આમ તેમની તબિયત ક્રિટીકલ ગણાય, પરંતુ મેડિકલ સારવાર દ્વારા તેમની તબિયત સુધારા પર આવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમ સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું છે. આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાસ્થ્ય સુધરે તે માટે વિશ્વના શ્રી સ્વામિનારાયણ ગાદી હસ્તકનાં તમામ મંદિરોમાં ધૂન, પ્રાર્થના કરવામાં આવી રહ્યાં છે.

જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ઈન્ફેક્શન લાગ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી (પીપી સ્વામી) મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોનાનું ઈન્ફેક્શન લાગ્યું હતું. આ ઉપરાંત ગાદી સંસ્થાન હસ્તકના મંદિરના જ 7થી વધુ સંતોને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું. જો કે, બાકીના સંતોનું આરોગ્ય સારું અને સુધારા પર હોવાનું મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું. અલબત્ત ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને મંગળવારે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

ગાદી હસ્તકના મંદિરોમાં-હરિભક્તો દ્વારા સતત ધૂન-પ્રાર્થના
મણિનગર ગાદી સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું આરોગ્ય હાલ નાજુક છે. પરંતુ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તે માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન હસ્તકના તમામ મંદિરો ઉપરાંત હરિભક્તો દ્વારા તેમના ઘેર સતત સ્વામિનારાયણ ધૂન બોલાવાઈ રહી છે. આ ઉપરાંત મંદિરમાં સવાર-સાંજ આરતી દરમિયાન સંતો દ્વારા આચાર્ય મહારાજના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

હાલમાં જ આચાર્ય મહારાજનો પ્રમાંજલિ પર્વ ઉજવાયો હતો
હજી ગત 29 મેના રોજ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનો પ્રેમાંજલિ પર્વ-78મો પ્રાગટ્ય પર્વ ઉજવાયો હતો. ગાદી સંસ્થાનના સંતોએ સાથે મળી આ પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પુષ્પહાર પહેરાવી, ચરણોમાં બિરાજમાન થયા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સંતોના વિધ વિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments