સુરત જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવાઓની ફરી એકવાર પોકળ સાબિત થયા છે. બારડોલીના મિંઢોળા નદીના કિનારેથી એક્સપાયરી ડેટના દવાનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. મોરી ગામે મોટી સંખ્યામાં બ્લડ સેમ્પલ જાહેર માર્ગ પર રઝળતા મળી આવ્યા હતા. બ્લડ સેમ્પલ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.એ ઘટનાને પણ આજે દિવસો વીતી જવા છતાં પણ સમગ્ર બાબતે આરોગ્ય વિભાગ કોઈ ઠોસ તપાસ કરી શકી નથી. ત્યાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી.
ગતરોજ મોડી રાત્રે બારડોલી તાલુકાના ખલી ગામ નજીક આવેલ કેદારેશ્વર મહાદેવના મંદિર નજીક મિંઢોળા નદીના ઓવારા પાસે કેટલીક દવાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ કરતા મળી આવેલા દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાનું જોવા મળ્યું હતું. સતત બે દિવસથી અહીં એક્સપાયરી ડેટનો દવાનો જથ્થો મળી આવતા સ્થાનિકોએ બારડોલી આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જેથી આરોગ્ય વિભાગ રાત્રી દરમિયાન ઘટના સ્થળ પહોંચ્યું હતું. સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ખાસ કરીને આ દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાથી જો આ પાણીમાં ભળી જાય તો નદીમાં રહેલ જળચર જીવ સહિત માનવજીવન માટે પણ નુકસાનકારક બની રહે તેમ છે. બારડોલી નગર અને તાલુકાઓમાં હવે મેડિકલ માફિયાઓ બેફામ બનીને મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરી રહ્યા છે . જેથી હવે આ અંગે તંત્ર ગંભીર બની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.