વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સૌરાષ્ટ્ર સાથે સમગ્ર રાષ્ટ્રમાં મૌસમમાં પલટો આવ્યો છે અને વરસાદી માહૌલ છવાયો છે. ઉત્તરપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, આસામ, કેરલ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તો ભારતના પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ઉત્તરપ્રદેશથી આસામ અને મરાઠાવાડથી કર્ણાટક,કેરલ સુધી ટ્રોફ સહિત સીસ્ટમો સક્રિય થતા દેશભરમાં વરસાદની આગાહી થઈ છે જેમાં ગુજરાતમાં પણ આવતીકાલથી અકળાવી દેતી અસહ્ય ગરમી (હોટ એન્ડ હ્યુમીડ વેધર)ની સાથે માવઠાં વરસવા ચેતવણી જારી કરાઈ છે.
મૌસમ વિભાગ અનુસાર (1) આવતીકાલ સુરત, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ડાંગ, તાપી, નર્મદા, નવસારી જિલ્લામાં (2) તા. 13 ના ડાંગ,નવસારી,વલસાડ,દમણ તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,વગેરે અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા અને દિવ પ્રદેશમાં (3) તા. 14ના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ અને સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ જિલ્લામાં (4) તા. 15ના અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ દિવ વગેરે મોટાભાગના વિસ્તારોમાં માવઠાં વરસવાની આગાહી છે અને ત્યારબાદ પણ તા.16, 17ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે કમોસમી વરસાદ વરસી શકે છે. આજે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપંમાન 41 સે.ને પાર થયું હતું, હીટવેવને બ્રેક લાગી હતી પંરતુ, તે સાથે જ વગર મહેનતે પરસેેવે રેબઝેબ કરી દે, અકળામણ અનુભવાય તેવો ચોમાસા પૂર્વેનો બફારો અનુભવાયો હતો. વરસાદી માહૌલમાં (1) કૃષિના તૈયાર પાક, કેસર કેરી વગેરેને આંશિક નુક્શાન થઈ શકે (2) ગૃહિણીઓને અથાણા બનાવવામાં મૂશ્કેલી અનુભવાય (3) લૂ વર્ષાનું પ્રમાણ ઘટે પરંતુ, તે સાથે ઘરમાં સવાર-રાત્રે પણ ઠંડકને બદલે પરસેવો નીતરે તેવો ઉકળાટ અનુભવાય છે.