અમદાવાદ : ભારે વરસાદ બાદ શહેરના પૂર્વના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયા,

0
9

અમદાવાદ. તોફાની પવન સાથે વહેલી સવારે ચાર વાગ્યાથી અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો, નરોડા, દૂધેશ્વર, શાહીબાગ, સરદારનગર, કોતરપુર જેવા વિસ્તારમાં સવા બે ઈંચ, ઉસ્માનપુરા, રાણીપ, રખિયાલ, વાડજ, આશ્રમ રોડ વિસ્તારમાં બે ઈંચ, વિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા, નારોલ, રામોલ વિસ્તારમાં દોઢ ઇંચ, બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, ગોતા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 23 અને 24 નંબરના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ તેમજ ભૂવા પડવાની ઘટના બની છે.

ભારે વરસાદને પગલે શહેરમાં ઝાડ, હોડીગ્સ ધરાશાયી થયા, ટ્રસ ફસાઈ

અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન અને વરસાદના કારણે નારણપુરા, વસ્ત્રાલ સહિતની 10 જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. ગોતાના વંદેમાતરમ સર્કલ પાસે ભુવો પડતા એક ટ્રક ફસાઈ હતી. જ્યારે હેલ્મેટ સર્કલ પાસે એક ક્રેન પસાર થતી હતી ત્યારે રોડ બેસી જતા ક્રેનનું ટાયર પણ ફસાઈ ગયું હતું. ભારે પવનના કારણે અનેક જગ્યાએ હોડીગ્સ પણ ધરાશાયી થયા હતા. અખબારનગર ક્રિષ્ના હોસ્પિટલ પાસે મહાકાય હોડીગ નમી પડ્યું હતું. નહેરુનગર અને વસ્ત્રાલ પાસે પણ હોડીગ ઉડીને તૂટી પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે સાંજે જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં 40થી50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપી છતાં કોર્પોરેશન દ્વારા જોખમી હોડીગ ઉતારી લેવામાં આવ્યા ન હતા.મીઠાખળી અંડરબ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. રોડ પર દીવાલનો કાટમાળ પડતા કોર્પોરેશન દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા છે. મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here