ગુજરાતના આ શહેરોમાં આગામી 2 દિવસમાં ભારે થી ભારે વરસાદની આગાહી.

0
19

શ્રાવણ માસની શરૂઆતથી જ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં હાલ ચોમાસાનો 80%થી વધુ વરસાદ પડી ગયો છે. ગુજરાતની મોટા ભાગની નદીઓ અને ડેમોમાં પાણીની આવક થતા તે છલકાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ફરી એક વાર નવી વરસાદી સીસ્ટમ સક્રિય થવાના કારણે આ આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેસર ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને 40 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે કાંઠા વિસ્તારમાં 65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે જેને લઇને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવાની સુચનાઓ આપવામાં આવી છે.

નવી વરસાદી સીસ્ટમના કારણે રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં આ ડીપ્રેશન ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. આ સીસ્ટમના કારણે આગામી 48 કલાકમાં દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદની સંભાવનાને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ આગામી પાંચ દિવસ દરમીયાન ગુજરાતના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

16 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને આવતી કાલે એટલે કે, 17 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here