અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ

0
0

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ )

અમદાવાદઃતા. 3/8/2020

મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરો બેટમાં ફેરવાયા હતા. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. રવિવારની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારાનો વર્તારો રહેતા લોકો હેરાન પરેશાન થયા હતા.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે. રવિવારે દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયે ઉકળાટ રહેતા શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા.

ચાર તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયા બનશે, જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થશે. ૫ અને ૬ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.

૭ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૫મી તારીખથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને ૫ થી ૭ તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં ૪૩ ટકા વરસાદ થયો છે. બંગાળાની ખાડીનાં ઉભા થનારા હવાના હળવા દબાણથી ગુજરાત રીજીયનમાં વરસાદની રહેલી ઘટ ઓછી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here