મુંબઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, 1નું મોત, એલર્ટ જાહેર

0
4

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીઓમાં એકાએક વધારો થયો છે. સોમવારે રાતથી શરૂ થયેલા વરસાદે મુંબઈને પાણી-પાણી કરી દીધું હતું. મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં અંદાજે 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. આ સિવાય હિન્દમાતા, સાયન, માટુંગામાં પણ વરસાદના લીઘે પાણી ભરાઈ ગયા હતા.

મુંબઈ નગર નિગમના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 કલાકમાં 230 મીમીથી પણ વધારે વરસાદ પડ્યો છે. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જે અંતર્ગત મુંબઈમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે એલર્ટ આપતા હાઈટાઈડની ચેતવણી પણ આપી છે. બપોરના સમયે 12.47 વાગ્યાની આસપાસના સમયમાં હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન મુંબઈ પાસે આવેલા દરિયાના મોજાં 4.45 મીટરની ઊંચાઈ સુધી ઉછળી શકે છે. તંત્રએ દરિયાની આસપાસ રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની સલાહ આપી છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે મંગળવારે લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ હતી. મુંબઈમાં દરેક 4 લાઈન ઠપ્પ થઈ ચુકી છે. મંગળવારે બપોર સુધી વરસાદ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયા હતા. BMCએ અતિ વરસાદને ધ્યાને લઈ ઈમરજન્સી સર્વિસ સિવાયની તમામ ઓફિસ બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

મુંબઈના દાદર અને પ્રભાદેવીમાં પાણી ભરાઈ જવાને કારણે વિરાર-અંધેરી તથા બાન્દ્રામાં ઈમરજન્સી સર્વિસ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, બાન્દ્રા-ચર્ચગેઈટ વચ્ચે બસ સર્વિસમાં મોટી બ્રેક લાગી ગઈ છે. અનેક અંડરબ્રિજ અને ઓવરબ્રિજના ઢોળાવ પર પાણી ભરાઈ ગયા છે. વાહનોના વ્હીલ ડૂબે એટલા પાણી ભરાતા વાહન ચલાવવું કઠિન થઈ પડ્યું હતું. પશ્ચિમ રેલવે તંત્રએ જે-તે રૂટના ટ્રેકની સમિક્ષા કરી પાણી ઓસરે ત્યાર બાદ ફરી સર્વિસ શરૂ કરવા માટે આયોજન કર્યું છે. મુંબઈના શાંતાક્રુઝ, પરેલ, મહાલક્ષ્મી, મીરા રોડ, કોલાબામાં પાણી ભરાતા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મુંબઈ અને થાણે વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અતિ વરસાદને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મકરમાં એક ભેખડ ધસી પડી હતી.

જ્યારે થાણે સિટીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. રાજ્ય સરકાર સંચાલિત ઓફિસમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે મંગળવારે તમામ કેસની સુનાવણી વરસાદને કારણે બંધ રાખી હતી. આ તમામ કેસની પ્રક્રિયા ફરી બુધવારે કરવામાં આવશે. થાણે શહેરની અનેક સોસાયટીમાં બપોર સુધી પાણી ઓસર્યું ન હતું. ભારે વરસાદને કારણે મુંબઈના નાના-મોટા એમ કુલ મળીને 26 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લાં ચાર દિવસથી મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પણ સોમવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે વરસાદ થઈ રહ્યો છે.