સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ, અનેક નદીઓ ગાંડીતૂર

0
0

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. ત્યારે શનિવારે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ 
જિલ્લામાં પડ્યો.  સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં. ભારે વરસાદને પગલે જિલ્લાની રૂપેણ, રાવલ, નગડીયા અને મચ્છુન્દ્રી સહિત શાગી નદીઓ ગાંડીતુર બની છે.   ભારે વરસાદના પગલે ઉના, ગીર ગઢડા અને દીવને પીયતનું પાણી પુરૂ પાડતા રાવલ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાવલ ડેમ ઓવરફ્લો થતાં મછુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતાં ઉનાના માણેકપુર ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો. અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. વરસાદના પગલે લુવરિયા ગામ નજીકથી પસાર થતા ગાગડીયા નદીમાં પૂર આવ્યું છે.  ઉના પંથકમાં ભારે વરસાદના પગલે પૌરાણિક ગુપ્ત પ્રયાગમાં સિઝનનું પહેલુ પૂર આવ્યું છે. મંદિરની આગળનો કુંડ છલકાઈ ગયો છે. ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા તાલાળાના હિરણ-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેથી 12થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ થઈ રહી છે.

  સૂત્રાપાડાના પ્રાચી તીર્થ નજીક આવેલી સરસ્વતી નદીના બ્રિજ પર ખાનગી બસ ફસાઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તામાં પોલાણ થઈ જવાથી બસનું પાછળનું પૈંડુ રોડમાં ખૂંપી ગયું હતું. જેને કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને 2 કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સૂત્રાપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી. 
    બોટાદ જિલ્લાના ઢસા નજીક આવેલા પીપરડી ગામમાં ત્રણ મકાન ધરાશાયી થઈ ગયા. આ ત્રણેય મકાનોનું બાંધકામ કાચું હતું તેથી ધરાશાયી થઈ ગયા હતા જો કે સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 
 ભાવનગરના શેત્રુંજી ડેમની સપાટી 30 ફૂટ અને 9 ઈંચને વટાવી ગઈ છે. શેત્રુંજી ડેમ 34 ફુટે ઓવરફ્લો થાય છે. ડેમમાં સતત પાણીની આવક થતાં ભાવનગર અને પાલિતાણાનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. 

 જામકંડોરણા પાસે આવેલા ફોફળ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં દૂધીવદરથી મોટા ભાદરા જવાના કોઝવે પર પાણી ફરી વળ્યાં. જેને કારણે  કોઝવે બંધ થઈ ગયો. ફોફળ ડેમના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા એક કાર પણ પાણીમાં તણાતી જોવા મળી હતી. જો કે, કાર સહિત કાર ચાલકનો બચાવ થયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here