મદદ : પાટણમાં ઝુંપડાપટ્ટીમાં રહેતાં શ્રમજીવી પરિવારો માટે વરસાદ આફતરૂપ

0
0

પાટણ શહેરમાં ચોમાસાનું થોડા દિવસ વહેલા આગમન થયું છે. જોરદાર વરસાદના આગમન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે જેથી વાતાવરણમાં ઠંડક છવાઈ છે અને હવે સારો વરસાદ પડશે એવી આશાઓ જીવંત બની છે. જોકે, વરસાદના પગલે સૌ કોઈમાં આનંદની લાગણી છવાઇ છે. પરંતુ એવા પણ અનેક લોકો છે જેમના માટે વાવાઝોડું વરસાદનો સમય મુશ્કેલીરૂપ પુરવાર થતો હોય છે.

પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પરથી કેનાલ તરફ અંદરની બાજુએ જવાના રસ્તા પર ખુલ્લા પ્લોટ જેવી જગ્યાએ ઝુંપડા બાંધીને બાળકો અને પરિવાર સાથે રહેતા આ શ્રમિક પરિવાર માટે વરસાદ આફતરૂપ બન્યો હતો. દેશી સાવરણીઓ બનાવીને મજૂરી કરી ગુજરાન ચલાવતા અને પ્લાસ્ટીકના મેણીયા અને કોથળીઓ ઢાંકીને બનાવેલા આશિયાનામાં આશરો લેતા આ પરિવારોના કાચા ઝૂંપડામાં વરસાદી પાણી ઘુસી જતા બધું પલળી ગયું હતું અને મેણીયા પણ પવનથી ઉડીને ફાટી ગયા હતા. એટલું જ નહીં, ખાવાનું રાંધવા માટેના લાકડા પણ પલળી જતા બાળકો માટે ભોજનની સમસ્યા સર્જાઇ હતી.

આ દરમિયાન કોઈ સામાજિક કાર્યકરે આ અંગે પાટણ જલારામ મંદિરના ટ્રસ્ટી નારણભાઇ ઠક્કરને જાણ કરતા તેમણે તુરંત અહીં ઝૂંપડામાં રહેતા દશથી પંદર જેટલા લોકો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દીધી હતી. જેથી આ લોકોએ ઘણી રાહત અનુભવી હતી. અહીં રહેતા લોકોને રેશનિંગની દુકાનેથી મફત મળતા રાશન અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અહીં ત્રણ વર્ષથી રહીએ છીએ પરંતુ રેશનકાર્ડ કોઈ કાઢી આપતું નથી જેથી મફતના રેશનનો લાભ પણ મળી શકતો નથી. કમનસીબી એ જોવા મળતી હોય છે કે જેઓ આર્થિક રીતે સધ્ધર અને સુખી સંપન્ન હોય છે તેવા કેટલાક લોકો બીપીએલ કાર્ડ ધરાવતા હોય છે અને મફત અનાજ પણ લેતા હોય છે જ્યારે ખરેખર જરૂરિયાતમંદ આવા લોકો સરકારની યોજના કે લાભથી વંચિત રહેતા જોવા મળતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here