કોરોનાના નિયમોને પાલનની શરતે 4 ઓગસ્ટથી નીચલી કોર્ટો શરૂ કરવા હાઇકોર્ટે આપી મંજૂરી

0
3

કોરોનાના કહેર વચ્ચે રાજ્યની તમામ કોર્ટ બંધ કરી દેવામાં આવી હતી. જે બાદ વકીલો દ્વારા સતત કોર્ટ ખોલવા માટે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેવામાં ગુજરાતભરનાં વકીલોને રાહત મળી છે. 4 ઓગસ્ટથી રાજ્યની હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટ શરૂ કરી દેવામાં આવશે. કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કોર્ટની તમામ કાર્યવાહી ઓનલાઈન ચાલતી હતી.

ગુજરાત હાઇકોર્ટે નીચલી અદાલતોને 4 ઓગસ્ટથી ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે. જો કે, આ માટે ફિઝિકલ ફાઈલિંગ કરવું પડશે. માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટમાં ફિઝિકલ ફાઇલિંગ થશે નહી. સવારે 11 થી 2 સુધી જ ફાઇલિંગ કરી શકાશે. સીલબંધ કવરમા દસ્તાવેજો કોર્ટમાં રાખવામાં આવશે તેને 24 કલાક સુધી કબાટ કે કેબિનેટમાં મુકી રાખવાના રહેશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન અનિલ કેલ્લા, ગુલાબખાન પઠાણે જણાવ્યું કે, ફિઝિકલ અરજી ફાઇલ કરવા હાઈકોર્ટે કરેલો સરક્યુલર આવકાર્ય છે. બાર કાઉન્સિલના સભ્યો ભરત ભગત, દીપેન દવે, કોપ મેમ્બર બલવંતસિંહ યાદવ પ્રતીક ઉપવાસ પર ઊતરવાના હતા, જે મોકૂફ રહ્યા છે. ક્રિમિનલ કોર્ટ બાર એસો.ના ઉપપ્રમુખ ભરત શાહ અને હસમુખ ચાવડાએ જણાવ્યું કે, મંજૂરી આવકાર્ય છે.