આજે ગાંધીનગરમાં કોરોના વેક્સિનેશન અંગે હાઇ લેવલ કમિટીની બેઠક, બીજા તબક્કામાં ચૂંટણીબૂથવાઇઝ ટીમ બનાવવા આયોજન કરાશે.

0
0

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે હાઇ લેવલ કમિટીની બેઠક મળી છે, જેમાં સર્વે અને લિસ્ટ બનાવવાની સાથે તમામ કામગીરીની સમીક્ષા કરવાની સાથે ચૂંટણીબૂથવાઇઝ ટીમની રચના, ટ્રેનિંગ,ઓરિયેન્ટેશન વગેરે તમામ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે.

ઇલેક્શન પેટર્ન ઉપયોગનો નિર્ણય લેવાયો છે

ગુજરાતમાં વેક્સિનના સંગ્રહ માટે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હસ્તકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પબ્લિક હેલ્થ સેન્ટરનો ઉપયોગ કરાશે. જ્યારે રસીકરણ માટેની પ્રક્રિયામાં ઇલેક્શન પેટર્નનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. મતદારયાદીના આધારે 50 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓનું લિસ્ટ બનાવશે. આ ઉપરાંત 50 વર્ષથી ઓછી ઉંમર હોય, પરંતુ કોમોર્બિડિટી હોય તો તેવા કિસ્સામાં પણ બીજા તબક્કાના રસીકરણ માટેના લિસ્ટમાં તેમનો સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય કમિશનરે તાકીદનો મેસેજ પાઠવ્યો

ગુજરાત સરકારના આરોગ્ય કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગઇકાલે મોડી સાંજે તાકીદનો મેસેજ પાઠવીને જણાવ્યું છે કે આ પ્રકારનું લિસ્ટ બનાવવાની કામગીરી અને સર્વેની કામગીરી તારીખ 10થી શરૂ કરીને તારીખ 13 ડિસેમ્બર સુધીમાં પૂરી કરી દેવાની રહેશે. તારીખ 1-1-2021ની સ્થિતિએ જે વ્યક્તિએ 50 વર્ષ પૂરાં કર્યા હોય અથવા તો પચાસ વર્ષ પૂરાં ન થયાં હોય, પરંતુ કોમોર્બિડિટી હોય તો તેમનાં નામ પણ આવા લિસ્ટમાં સમાવવાનાં રહેશે. આ કેટેગરીમાં આવતી દરેક વ્યક્તિનાં નામ, સરનામાં, મોબાઈલ નંબર સાથેનો ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે અને આ માટે ઇલેક્શન પેટર્ન અપનાવવાનું નક્કી કરાયું છે.

મતદાનમથકદીઠ એક ટીમની રચના કરાશે

મતદારયાદીના આધારે સર્વે અને લિસ્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, સાથોસાથ બૂથવાઈઝ, એટલે કે પ્રત્યેક મતદાનમથકદીઠ એક ટીમની રચના કરવામાં આવશે અને આવી ટીમ જે-તે મતદાનમથકમાં નોંધાયેલા લોકોના ઘરનો સંપર્ક સાધીને બૂથવાઇઝ ડેટા તૈયાર કરશે.

ડેટા પરથી યાદી બનાવાશે

રાજ્ય સરકારના આરોગ્ય કમિશનરે પરિપત્રમાં જણાવ્યું છે કે તારીખ 13 ના સાંજે 6 વાગ્યા સુધીમાં આ પ્રકારનો ડેટા તમામ જિલ્લા મથકોથી અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી સરકારને મળી જવો જોઈએ. તારીખ 14 થી તારીખ 16 દરમિયાન આવેલા ડેટા પરથી યાદી બનાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here