ચક્રવાતી તોફાન ‘યાસ’ પર ઉચ્ચસ્તરીય બેઠક : PM મોદીએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

0
8

તાઉ-તે વાવાઝોડા પછી હવે દેશ પર વધુ એક ચક્રવાત ‘યાસ’નું જોખણ છવાઇ ગયું છે. હવામાન વિભાગે આને ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાવવાની જાણકારી આપી છે. આ વાવાઝોડાની ટક્કર 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારે થવાના એંધાણ જણાઇ રહ્યા છે. જેથી પ્રધાનમંત્રી મોદીએ NDMA અને NDRFની ટીમ સહિત 14 વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં PM મોદીએ વાવાઝોડાથી બચાવ કરવા માટેની તૈયારીઓ હાથ ધરી હતી.

આ બેઠકમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ આંદામાન-નિકોબાર આઇલેન્ડ અને પુડુચેરીના મુખ્ય સચિવ અને અધિકારી હાજર રહ્યા હતા. તેમાં રેલ્વે બોર્ડના અધ્યક્ષ, NDMAના સભ્ય સચિવ, IDF ચીફ, પાવર, શિપિંગ, ટેલિકોમ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, સિવિલ એવિએશન અને મત્સ્યઉદ્યોગ સચિવોએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં કોસ્ટ ગાર્ડ, NDRF અને IMDના DG પણ સામેલ થયા હતા.

24મેના રોજ આ ચક્રવાતી તોફાનમાં બદલાશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું ઉત્તર, ઉત્તર-પશ્ચિમ બાજુ વધી શકે છે. આ 24 મે સુધી ચક્રવાતી તોફાનમા બદલાઈ શકે છે અને આગામી 24 કલાકમાં અત્યંત વિનાશક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. આ 26 મેના રોજ પશ્ચિમ બંગાળની પાસે બંગાળના ઉત્તર ખાડી અને તેની પાસે આવેલા ઉત્તર ઓડિશા અને બાંગ્લાદેશના કિનારે પહોંચી શકે છે.

બંગાળ અને ઓડિશા પર સૌથી વધુ અસર

તોફાનને લઈને આંધ્રપ્રદેશ, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને અંદામાન-નિકોબારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આની અસર બંગાળ અને ઓડિશા પર સૌથી વધુ થશે. અંદામાન અને નિકોબાર અને પૂર્વ કાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તે પૂરનું જોખમ પણ ઉભું કરી શકે છે.

કોસ્ટગાર્ડ સહિત ડૉકટરની ટીમ અને એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય પર

કોસ્ટ ગાર્ડ, ડિઝાસ્ટર રિલિફ ટીમ, ઇન્ફ્લેટેબલ બોટ, લાઈફબોય અને લાઇફજેકેટ સિવાય ડૉકટરની ટીમ અને એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. પોર્ટ ઓથોરિટી, ઓઇલ રિગ ઓપરેટર્સ, શિપિંગ-ફિશરીઝ ઓથોરિટી અને માછીમારોના સંઘોને પણ વાવાઝોડા અંગે જાણકારી આપી દેવામાં આવી છે.

સતત હવામાન પર નજર રખાઈ રહી છે

ICGના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીના હવામાન પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમિલનાડુ, પુડ્ડુચેરી, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અંદામાન નિકોબાર ટાપુઓ પર આઇસીજી રિમોટ ઓપરેટિંગ સ્ટેશન (ROS)ની મદદ સાથે ચેતવણીઓ મોકલવામાં આવી રહી છે.

કેન્દ્રએ 5 રાજ્ય માટે જાહેર કરી ગાઈડલાઇન્સ

ઇમર્જન્સી કમાન્ડ સિસ્ટમ અને ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર અને કંટ્રોલ રૂમ તાત્કાલિક એક્ટિવ કરો. નોડલ ઓફિસરને તહેનાત કરો અને તેના સંપર્કની વિગતો આરોગ્ય મંત્રાલયને ઉપલબ્ધ કરાવો.

દરિયાકાંઠાનાં રાજ્યોના તમામ જિલ્લાઓમાં હોસ્પિટલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજના શરૂ કરો. આ જિલ્લાઓની હોસ્પિટલોમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે પણ તૈયારીઓની સમીક્ષા કરવી જોઇએ.

જે વિસ્તાર વાવાઝોડાના રસ્તામાં આવી રહ્યા છે ત્યાં આવેલાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોથી દર્દીઓને ઊંચાઈવાળા વિસ્તારોની મોટી હોસ્પિટલોમાં સ્થળાંતર કરવા માટેની એડ્વાન્સ પ્લાન તૈયાર કરો.

કોવિડ મેનેજમેન્ટ માટે મોનિટરિંગ એકમ, હેલ્થ ટીમોને પણ મહામારી ઉપરાંત ડેન્ગ્યુ, મલેરિયા, શરદી-ખાંસી જેવા રોગો માટે પણ તૈયાર રાખવી જોઈએ.

કોવિડ સેન્ટરો સહિત વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનાં તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં પૂરતો મેનપાવર હોવો જોઈએ. આ બધાં કેન્દ્રો સંપૂર્ણ કાર્યરત હોવાં જોઈએ. મેનપાવરની કમી અસરગ્રસ્ત ન હોય તેવા જિલ્લાઓમાંથી પૂર્ણ કરવામાં આવે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં હોસ્પિટલો, લેબ્સ અને વેક્સિન કોલ્ડ ચેન, ઓક્સિજન ઉત્પાદન એકમો અને અન્ય સહાયક મેડિકલ સુવિધાઓમાં પૂરતા પ્રમાણમાં પાવર બેકઅપ હોય. આ ઉપરાંત આ હોસ્પિટલોમાં વીજળી અને પાણી સહિતનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે.

ભારે પવન અને વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ શકે છે. ઈમર્જન્સીને ધ્યાનમાં લેતાં આવશ્યક દવાઓનો સ્ટોક અગાઉથી એકત્રિત કરો. ORS, કલોરિન ગોળીઓ, બ્લિચિંગ પાઉડર અને કોરોનાની સારવાર માટે અન્ય દવાઓ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. આ પગલાં કોવિડ અને નોન-કોવિડ બંને હોસ્પિટલો માટે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here