દુખદ : હીરાઉદ્યોગમાં ભિષ્મ પિતામહ તરીકે ઓળખાતા અરુણકુમાર મહેતાનું નિધન, આજે હીરાઉદ્યોગ બંધ રહેશે

0
0

સુરત. હીરાઉદ્યોગમાં ભિષ્મ પિતામહ તરીકે ઓળખાતા અને અરુણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરુણ મહેતાનું રવિવારે મુંબઈમાં નિધન થયું છે. તેના શોકમાં આજે સુરત અને મુંબઈના હીરા બજારો એક દિવસ બંધ રહેશે.  સુરત ડાયમંડ એશોસિએશન દ્વારા સોમવારે નિર્ણય કરાયો છે કે, સ્વ.અરુણકુમાર મહેતાના માનમાં આજે બંધ પાળવામાં આવશે.

શુક્રવારે તા. 12 જૂને 80 વર્ષીય અરુણ મહેતા મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાને બાથરૂમમાં પગ લપસી જતા કોમામાં સરી પડ્યા હતા. મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે તેમનું મૃત્યુ થયું છે. અરુણ મહેતાનું સમગ્ર હીરાઉદ્યોગમાં ખૂબ માન હતું. આ અંગે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા જણાવે છે કે, સ્વ. અરુણકુમાર વર્ષ 1970માં હીરાનો આંતરાષ્ટ્રીય વેપાર શરૂ કરનારાઓમાં મોખરે નામ ધરાવતા હતા. આ સાથે હીરા ઉદ્યોગમાં એથિકલ વેપાર કઈ રીતે થાય તે માટે તેમણે ઘણું યોગદાન આપ્યું છે. હીરા ઉદ્યોગના માર્ગદર્શક હતા, ઉદ્યોગને લઈને કોઈ પણ સમસ્યાઓનું સુઝબુઝથી નિરાકરણ લાવવાની પ્રતિભાના કારણે આજે પણ નવી જનરેશનના ઉદ્યોગકારો માટે તેઓ માર્ગદર્શક છે. 69 કન્ટ્રીઝમાં તેમની હીરાની ઓફિસો કાર્યરત છે.

વધુમાં, સતત 20 વર્ષ સુધી જીજેઈપીસીની વર્કિંગ કમિટીના સભ્ય, બીડીબીની મેનેજિંગ કમિટીના સભ્ય એવા સ્વ અરુણ મહેતાએ હીરા ઉદ્યોગની વિવિધ સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેને પગલે આજે સુરત અને મુંબઈના હીરા બજારો બંધ રાખવા માટે નિર્ણય કરાયો છે. શહેરના બંન્ને હીરા બજારો અને સેફ્ટી વોલ્ટ્સ તા.16મી જૂનના મંગળવારના રોજ બંધ રાખવામાં આવશે.

અરુણકુમારનો અંબાણી પરિવાર સાથેનો ઘરોબો

અરુણકુમારના પુત્ર રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતાના મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી સાથે લગ્ન થયા છે. અંબાણીના વેવાઈ હોવાનું પણ શહેરના હીરા ઉદ્યોગમાંથી જાણવા મળ્યું છે. જેના કારણે તેમનો અંબાણી પરિવાર સાથેનો ઘરોબો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here