યાર્ડમાં હોલસેલમાં લસણનો ભાવ 300થી 400 રૂપિયા થઇ ગયો છે અને છૂટક બજારમાં લસણનો ભાવ 400ને પાર થઇ ગયો છે .અને 2 મહિના સુધી નવું લસણ બજારમાં નહી મળશે .
રાજ્યમાં એક તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે જેમાં લસણનાં ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતા જૂનાનાં એક કિલોનો 400-500 ભાવ પહોંચ્યો છે.
રાજકોટમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી ત્યારે ખેડૂતોને જૂના લસણનાં સારા ભાવ મળી રહ્યો છે. રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ 400થી 500 રૂપિયા સુધીના જોવા મળી રહ્યો છે. જ્યારે સારી ક્વોલિટીનું એક કિલો લસણ 500 કરતા વધુ કિંમતે વેંચાય રહ્યું છે
આ સાથે જ છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જૂનું લસણ ખૂટે નહીં તેવો ઇતિહાસ છે. જેને બદલે હાલ દેશભરના તમામ યાર્ડમાં હાલ જૂનું લસણ પૂર્ણતાના આરે છે. ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું.
આ અંગે ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું કે, જિંદગીમાં પહેલીવાર લસણનો આટલો ભાવ જોયો છે. જૂના લસણમાં હાલ ઝીણા અને મધ્યમ કદના લસણના ભાવ 20 કિલો 3થી લઈને 4 હજાર સુધીમાં વેચાય છે. આ સાથે જ સારી ક્વોલિટીનું લસણ 4 હજારથી શરૂ થઈને 7,000 સુધીના વેચાય રહ્યું છે. રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું લસણ આવે છે.
બીજી તરફ લસણની માગ વધી છે અને બજારમાં લસણનો પૂરવઠો ઘટ્યો છે. જેના કારણે લસણના ભાવ વધ્યા છે. રાજકોટ યાર્ડ સહિતના રાજ્યના અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે.