નવી દિલ્હી: 15 ઓગસ્ટ 1947માં દેશમાં પહેલું બજેટ રજૂ થવા સાથે જ 1500 રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી હતી. આ વર્ષે આ લિમિટ 5 લાખની થઇ ગઇ છે. ત્યારે પણ વરસાદની મોસમ હતી, આજે પણ વરસાદની મોસમ છે. ત્યારેપણ બજેટ શુક્રવારે હતું, આ વખતે પણ શુક્રવારે જ છે. આ ત્યારે અને અત્યારેની વચ્ચે 72 વર્ષ વિતી ગયા. આ 72 વર્ષોમાં ઇન્કમટેક્સની રોમાંચક યાત્રા…
-જન સંખ્યા વધારવા પરણેલાને અપાતી કુંવારાઓ કરતાં વધુ ટેક્સ છૂટ: 1955માં પહેલીવાર દેશમાં પરણેલા અને કુંવારાઓ માટે અલગ અલગ ટેક્સ ફ્રી આવક રાખવામાં આવી હતી. પરણેલાઓને રૂ. 2000 સુધી ટેક્સ ફ્રી ઇન્કમ જ્યારે કુંવારાઓએ આ લિમિટ રૂ. 1000 હતી.
-બાળકોની સંખ્યાના આધારે ઇન્કમટેક્સ છૂટ આપનારો ભારત દૂનિયાનો એકમાત્ર દેશ: 1958માં ઇન્કમટેક્સ કરદાતાના બાળકોની સંખ્યાના આધારે નક્કી કરાતો હતો. જેના જેટલાં વધુ બાળકો તેને તેટલી વધુ ટેક્સ છૂટ મળતી. પરણેલો છે, પણ બાળકો નથી તો 3000 સુધીની આવક ટેક્સ ફ્રી હતી.
-100ની કમાણીમાંથી માંડ સવા બે રૂપિયા ઘરે પહોંચતા હતા: 1973-74માં આવકવેરો વસૂલવાની મહત્તમ રેટ 85 ટકા કરી દેવાયો હતો. સરચાર્જ મળીને ટેક્સ રેટ 97.75 ટકા થઇ ગયો. અર્થાત્ એક લિમિટની બહાર રૂ. 100ની કમાણીમાંથી માંડ રૂ. 2.25 જ કમાનારી વ્યક્તિના ગજવામાં જતાં. બાકીના રૂ. 97.75 સરકાર રાખી લેતી. જોકે, આ અધિકતમ દર માત્ર 2 લાખથી વધુ કમાણી કરનારા લોકો ઉપર જ લાગતો હતો. ત્યારે દૂનિયામાં તે સૌથી વધુ ટેક્સ હતો.