દરિયાકાંઠે વસેલા ગીર સોમનાથ જીલ્લાના મોટાભાગના શહેરોમાં થોડા દિવસથી લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહયા છે. દરમ્યાન હવામાન વિભાગએ આજે તા.16 અને તા.17 ના રોજ એમ બે દિવસ હિટવેવની ચેતવણી આપી છે. બે દિવસ દરમ્યાન લોકોએ સાવચેતી રાખવા એડવાઇઝરી જાહેર કરી છે.
લાંબો અરબી સમુદ્ર કિનારો ઘરાવતા ગીર સોમનાથ જીલ્લામાં મોટાભાગે તો ભેજવાળા વાતાવરણના કારણે ઉનાળાના સમયમાં આકરી ગરમીનો અહેસાસ અન્ય શહેરોના પ્રમાણમાં ઘણો ઓછો જોવા મળે છે. પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતથી જ લોકોને આકરી ગરમીનો અહેસાસ થઇ રહયો છે. આજે તા.16 ના રોજ ગરમીનો પારો 35 ડીગ્રીએ પહોંચી ગયો છે. જેથી ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત બની જતા પંખા અને એસીનો સહારો લઇ રહયા છે. તો બપોરના સમયે બજારોમાં અને રસ્તાઓ પર કર્ફયુ જેવો નજારો સર્જાયેલ જોવા મળે છે.
ત્યારે હવામાન વિભાગે આજે તા.16 અને કાલે તા.17 એમ બે દિવસ હિટવેવની આગાહી કરી લોકોને સાવઘ રહેવા અપીલ કરી છે. આ સાથે હિટવેવ અંગે જીલ્લા વહીવટી તંત્રને તાકીદ પણ કરી છે. રાજયના મોસમ વિભાગએ આગામી પાંચ દિવસના મોસમ અંગે બુલેટિન જાહેર કર્યું છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં તા.16 અને 17 ના હિટવેવ રહેવાની જાહેર કરી છે. સાથો સાથે લોકો માટે હિટવેવના દિવસોમાં તકેદારી રાખવા ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. જે મુજબ હિટવેવના દિવસો દરમ્યાન જીલ્લામાં લોકોએ તડકામાં જરૂરી કામ વગર બહાર ન નીકળવા, બને ત્યાં સુઘી કોટનના જ કપડાં પહેરવા, શરીર ઢાંકવા સહિતની સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે.