અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે કોરોના ચેકપોસ્ટ-બફરઝોનની મુલાકાત લીધી, લોકોના સહકાર અંગે માહિતી મેળવી

0
9
  • આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો
  • હવે બાળકોને બહાર રમવા મોકલનારા માતા-પિતા સામે ગુનો નોંધાશે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર સતત વર્ષી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 295 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 13 લોકોના મોત નિપજ્યાં છે. આજે નોંધાયેલા તમામ કેસો જમાલપુર, મણિનગર, બહેરામપુરા, વેજલપુર, વટવાના છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે શહરેની કોરોના ચેક પોસ્ટ અને બફરઝોનની મુલાકાત લીધી હતી. તેમજ સમગ્ર કોટ વિસ્તારની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

એલિસબ્રિજમાં વાહન ચાલકને માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000નો દંડ ફટકારાયો

મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી 13 એપ્રિલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જેથી આજે વહેલી સવારથી રોડ પર અવર-જવર કરનાર પર નજર રાખવામાં આવે છે. સવારે એલિસબ્રિજ પાસેથી પસાર થતા એક વાહન ચાલકને માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઓફીસ જતા લોકો પણ માસ્ક વગર નીકળતા AMCએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાહેરનામા અનુસાર, જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.

પ્લોટમાં રમતાં બાળકોના માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી

કોરોના વાઇરસના કેસો રાજ્યમાં એકતરફ વધી રહ્યા છે. હોટ સ્પોટ સિવાય અન્ય વિસ્તારમાં ચેપના કારણે કેસો સામે આવે છે છતાં લોકો લોકડાઉનનો અમલ ન કરતાં પોલીસ કડક બની છે. લોકડાઉનમાં હવે જો તમારા બાળકો ઘરની બહાર દેખાશે તો પોલીસ તેમના માતા-પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરશે. ઘાટલોડિયામાં આઇલ આસોપાલવ એપાર્ટમેન્ટ નજીક ખુલ્લા પ્લોટમાં રમતાં 7 બાળકોના માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા હતા

પોલીસને ડ્રોનની વિસ્તારમાં તપાસ કરતા ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા મળી આવ્યા હતા. પોલીસે ત્યાં જઈ પૂછતાં તેમના માતા-પિતાએ ઘરની બહાર રમવા મોકલ્યા હતા. જ્યારે વસ્ત્રાપુરના મધુવૃંદ એપાર્ટમેન્ટમાં 8 સગીર અને સગીરાઓ ધાબા પર જોવા મળતા વસ્ત્રાપુર પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે મધુવૃંદ એપાર્ટમેન્ટના ધાબા પર ડ્રોનની મદદથી જોતાં 8 લોકો ટોળું વળી ઉભા હતા. પોલીસે ફ્લેટમાં જઈ પૂછપરછ કરતા 15થી 17 વર્ષના 8 સગીર અને સગીરાઓ મળી આવી હતી. તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

શાકભાજીની રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી

શહેરના ગીતામંદિર વિસ્તારમાંથી શાકભાજીની રિક્ષામાંથી કાગડાપીઠ પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકડાઉનના અમલ માટે કાગડાપીઠ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાનમાં મજૂર ગામ તરફ જતાં રોડ પર એક લીલા કલરની રીક્ષા પડી હતી. જેના પર શાકભાજીની વાન લખ્યું હતું પોલીસે તેમાં જોતા કેટલાક પ્લાસ્ટિકનાં થેલા હતા જેમાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી 360 લીટર દેશી દારૂ અને રીક્ષા કબ્જે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here