આરોગ્ય અંગે ગૃહ પ્રધાનનો સંદેશ : અમિત શાહે કહ્યું- મારી તબિયત બાબતે અફવા ફેલાવાઈ રહી છે, મોત માટે લોકો દુઆ માંગી રહ્યા છે

0
12

નવી દિલ્હી. ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું છે કે હું કોઈ પણ પ્રકારની બિમારીથી પીડિત નથી. તેમણે પોતાના શુભચિંતકોને એક સંદેશ પણ આપ્યો છે. શાહે ટ્વિટમાં લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારા આરોગ્ય અંગે અનેક અફવાઓ ફેલાવી છે. ત્યાં સુધી કે કેટલાક લોકોએ તો મારા મૃત્યુ અંગે પણ ટ્વિટ કરી દુઆ માંગી છે.

શાહે ટ્વિટમાં લખ્યું છે કે વર્તમાન સમયમાં દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે અને દેશના ગૃહ પ્રધાન તરીકે મોડી રાત્રી સુધી સતત કાર્યોમાં વ્યસ્ત રહેવાને લીધે આ અફવા ફેલાવતા સંદેશ પર ધ્યાન આપ્યું નથી.જ્યારે મારા ધ્યાનમાં આવ્યું તો મને વિચાર કર્યો કે આ તમામ લોકો તેમના કાલ્પનિક વિચારોનો આનંદ લઈ રહ્યા છે. જેથી મે કોઈ સ્પષ્ટતા કરી નહીં.

પરંતુ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને શુભચિંતકોએ આ અંગે છેલ્લા બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમની આ ચિંતાને નજર અંદાજ કરી શકાય તેમ નથી. માટે હું આજે સ્પષ્ટતા કરવા માગું છું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું અને મને કોઈ જ પ્રકારની બિમારી નથી.

હિન્દુ માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ પ્રકારની અફવા તંદુરસ્તીને વધારે મજબૂત કરે છે. માટે હું આ પ્રકારના તમામ લોકો પાસે આશા રાખુ છું કે તેઓ વ્યર્થ વાતો છોડી મને મારું કાર્ય કરવા દે અને તેઓ પોતાનું કાર્ય કરશે. દરમિયાન ખોટા મેસેજ વાઈરલ કરનાર ચાર લોકોની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે

જે લોકોએ અફવા ફેલાવી તેમના પ્રત્યે કોઈ જ દુર્ભાવના નથી

તેમણે લખ્યું કે મારા શુભચિંતકો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ મારા આરોગ્ય વિશે પૂછપરછ કરી અને મારી જે ચિંતા વ્યક્ત કરી છે તે બદલ હું તેમનો આભારી છું. જે લોકો આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે તેમના પ્રત્યે મારા મનમાં કોઈ જ દુર્ભાવના કે દ્વેષ નથી. તમારો પણ આભાર.

ફેક મેસેજ વાઈરલ કરનાર ચાર લોકોની ગુજરાતમાંથી ધરપકડ કરાઈ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર થયું હોવાનું બોગસ ટ્વિટ ઈમેજ તૈયાર કરી ફેક મેસેજ વાઈરલ કરનાર ચાર શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓ ભાવનગર અને અમદાવાદના હોવાનું જાણવા મળ્યુ છે. આ ટ્વિટ ઈમેજને પગલે દેશભરના અમિત શાહના સમર્થકો આઘાતમાં સરી પડ્યા હતા. વિરોધીઓ દ્વારા આ બોગસ મેસેજને પગલે એલફેલ કોમેન્ટ કરી હતી. ફેક ટ્વિટ બહાર આવતા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી અને સાયબર ક્રાઈમની મદદથી આરોપીઓને ઝડપી લીધાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here