ઘર વાપસી : મુકુલ રોય બાદ હવે રાજીવ બેનર્જી પણ ભાજપ છોડી શકે

0
0

તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાજીવ બેનર્જીની ઘર વાપસીની અટકળો પણ વેગવંતી બની છે. અટકળો વચ્ચે ભાજપમાંથી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડનાર રાજ્યના પૂર્વ મંત્રી રાજીવે TMCના રાજ્ય મહામંત્રી કુણાલ ઘોષ સાથે મુલાકાત કરી હતી.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીવ શહેરના ઉત્તરીય વિસ્તારમાં ઘોષના નિવાસ સ્થાને ગયા હતા, જ્યાં બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જો કે, ઘોષે પછી કહ્યું કે તે શિષ્ટાચાર મુલાકાત હતી. ત્યારબાદ રાજીવે મીડિયાને પણ કહ્યું હતું કે તે એક સામાન્ય મિટિંગ છે. હું અત્યારે ભાજપનો જ સભ્ય છું.

હાલમાં જ ભાજપને ચેતવણી આપી હતી
આ પહેલા રાજીવે હાલમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની નવી પાર્ટીને ચેતવણી આપી હતી કે, લોકોને વિશાળ જનાદેશથી ચૂંટાયેલી સરકાર સામે રાષ્ટ્રપતિ શાસનની ધમકીને પસંદ કરશે નહીં. જાન્યુઆરીમાં તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ બેનર્જીએ દાવો કર્યો હતો કે તેમને આવું કરવાની ફરજ પડી હતી કારણ કે તૃણમૂલના નેતાઓના એક વર્ગે તેમની કામગીરી અંગેની ફરિયાદો ઉઠાવતાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. રાજીવ 2011 અને 2016 માં તૃણમૂલ કોંગ્રેસ સરકારમાં પ્રધાન રહ્યા હતા.

રાજીવ 40 હજાર મતોથી હાર્યા હતા
2016ની વિધાનસભાની ચૂંટણીમાં હાવડાની ડોમજુડ બેઠક પર એક લાખથી વધુ મતે જીત મેળવનાર રાજીવ આ વખતે આ જ બેઠક પર 40,000 મતોથી હારી ગયા હતા. બીજેપી હાવડાની 16વિધાનસભા બેઠકોની જીત અંગે રાજીવના વિશ્વાસે હતું, પરંતુ રાજીવ પોતાની બેઠક જ બચાવી શક્યા નહીં.

અન્ય ભાજપના નેતાઓ પણ પાર્ટી છોડી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ઘણા નેતાઓ ફરીથી તૃણમૂલમાં સામેલ થઈ શકે છે. આ બાબતને વધુ વેગ ત્યારે મળ્યો, જ્યારે બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે બોલાવેલી બેઠકમાં પક્ષના સાંસદ શાંતનુ ઠાકુર અને અન્ય ત્રણ ધારાસભ્યો પહોંચ્યા નહીં. પ્રભાવશાળી મતુઆ સમુદાયના અગ્રણી સભ્ય સાંસદ શાંતનુ ઠાકુર વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ બંગાળમાં સીએએ કાયદો લાગુ કરવાની માંગ મુદ્દે ભાજપના વલણથી અસંતુષ્ટ છે. આ સિવાય ત્રણ ધારાસભ્યો બિશ્વજીત દાસ (બગડા), અશોક કીર્તનિયા (બોંનગાવ ઉત્તર) અને સુબ્રત ઠાકુર (ગાયઘાટા)ના નામની ચર્ચા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here