હોન્ડા ટૂ-વ્હીલર્સ જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતનો પ્લાન્ટ શરુ કરશે, કર્ણાટક પ્લાન્ટમાં 25 મેથી ઉત્પાદન કામગીરી ચાલુ થશે

0
0

ટાટા મોટર્સ બાદ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી વધુ એક ઓટોમોબાઇલ કંપની હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે (HMSI) આજે બે તબક્કામાં એના તમામ 4 પ્લાન્ટમાં ઉત્પાદનની કામગીરી ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નરસાપુરામાં એના સૌથી મોટા પ્લાન્ટમાંથી ઉત્પાદન 25 મે, 2020થી તબક્કાવાર ફરી શરૂ કરશે અને પછી જૂનના પહેલા સપ્તાહથી ગુજરાતમાં વિઠલાપુર, તાપુકારા (રાજસ્થાન) અને માનેસર (હરિયાણા) ખાતે કામગીરી તબક્કાવાર ધોરણે શરૂ કરશે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા સાથે વ્યવસાયની સાતત્યતા જાળવવા હોન્ડાનાં 300થી વધારે સપ્લાયર પ્લાન્ટના આશરે 100%ને તેમની કામગીરી ફરી શરૂ કરવા જરૂરી મંજૂરી મળી ગઈ છે. હવે હોન્ડાના સપ્લાયર્સ ઉત્પાદન ફરી શરૂ કરવાના એડવાન્સ તબક્કામાં છે.

માર્ગદર્શિકા મુજબ વિસ્તૃત મેન્યુઅલ બનાવ્યું

કંપનીએ જણાવ્યું કે, હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની લાગુ માર્ગદર્શિકા ઉપરાંત કામગીરી ફરી શરૂ કરવા વિસ્તૃત મેન્યુઅલ બનાવ્યું છે. આ હોન્ડાના ઉત્પાદન પ્લાન્ટની સાથે એની સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં લાગુ થશે, જેમાં ભારતનાં તમામ સપ્લાયર્સ, લોજિસ્ટિક પાર્ટનર્સ, ડિલરશિપ અને સર્વિસ સેન્ટર સામેલ છે.

તકેદારીના તમામ પગલા લેવાશે

હોન્ડાના તમામ પ્લાન્ટ માટે માર્ગદર્શિકા મુજબ ટેમ્પરેચર સ્ક્રીનિંગ, નોન-બાયોમેટ્રિક એન્ટ્રી અને એક્ઝિટ, ફરજિયાત ફેસ માસ્ક, સામગ્રી લઈ જતા વાહનોનું નિયમિત સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શન, ગર્ભવતી મહિલાઓ માટે વર્ક ફ્રોમ હોમ, હોટસ્પોટ ઝોનમાંથી વ્યક્તિની અવરજનર પર પ્રતિબંધ, કોવિડ-19 પર તાલીમ અને જાગૃતિ મોડ્યુલ્સ, પરિવહન માર્ગદર્શિકાઓ, કોવિડ-19 હેલ્થ વીમા કવચ, સોશિયલ ડિસ્ટન્સિંગના કડક પગલાં સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.

ટાટા મોટર્સે 14 મેએ પ્લાન્ટ શરુ કર્યો

લોકડાઉનના પગલે ટાટા મોટર્સે તેના ગુજરાતના સાણંદ પ્લાન્ટ સહિત દેશના અન્ય ભાગોમાં આવેલા પેસેન્જર અને કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન માર્ચના ચોથા સપ્તાહથી અટકાવી દીધું હતું. સરકાર તરફથી લોકડાઉનમાં ઉદ્યોગો માટે નિયમો હળવા કરાયા બાદ કંપનીએ આ સપ્તાહે સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદન કામગીરી ફરી શરુ કરી છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પંતનગર પ્લાન્ટમાં પણ ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here